Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં બાળકી શ્વાસ લઈ શકે તેવી અડધી દાટેલી હાલતમાં મળી

અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી 3 દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી ગઈ 

પોલીસના જણાવ્યા મુજબ, બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે.

સુરેન્દ્રનગર, તા.૩૦
અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ૩ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે.

અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ૩ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે. ધ્રાંગધ્રાના હરિપર ગામની સીમમાં માલધારી પશુ ચરાવવા ગયા ત્યારે બાળકનો અવાજ સાંભળતા તે નજીક ગયા તો જમીન પરના દૃશ્ય જાેઈ હચમચી ગયા હતા. માસૂમ બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં હતી. આ દૃશ્ય જાેઇ માલધારીએ તેમના સાથીઓને જાણ કરતા અન્ય લોકો દોડી આવ્યા અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાે કે, નિષ્ઠુર જનેતા બાળકીને જીવતી રાખવા માગતી હોય તે રીતે બાળકી શ્વાસ લઈ શકે તે માટે મોં જમીન બહાર રાખ્યું હતું અને બાકીના અંગો દાટી દીધાં હતાં.

પોલીસના જણાવ્યા મુજબ, બાળકીને જે રિક્ષામાં લઈને જંગલમાં જીવતી દાટી દેવાઈ હતી એ રિક્ષાની ઓળખ થઇ ગઈ છે અને એ દિશામાં સઘન પોલીસ તપાસ ચાલી રહી છે. આ અંગે મિતુલ પંચાસરાએ કહ્યું હતું કે, રવિવારે સાંજના પાંચેક વાગ્યાની આસપાસ હું મારી વાડીએથી ઘર તરફ આવતો હતો તે દરમિયાન હરિપર કેનાલ પાસે આવેલા જલધારા હનુમાનજીના મંદિર પાસે પહોંચતા અમારા ગામના રબારી કુકાભાઇ તેજાભાઈ તથા નરશીભાઇ ઠાકોર પોતાના બકરાઓ ચરાવતા હતા અને તેઓએ રોડ ઉપર આવી મને બોલાવી જણાવ્યું હતું કે, કોઈ બાળકને જલધારા હનુમાનજીના મંદિર પાછળ જંગલમા દાટીને જતું રહ્યું છે અને બાળક રડે છે. તેમ વાત કરતા હું તુરંત જ જલધારા હનુમાનજીના મંદિર પાછળ જંગલ વિસ્તારમાં ગયેલો અને જાેયું તો આ અજાણ્યું બાળક જમીનમાં દાટેલું હતું. જેથી મેં તરત જ અમારા ગામના મુમાભાઇ વજાભાઇ રબારી, સુરેશભાઇ રણછોડભાઈ પટેલ, લીંબાભાઇ મુમાભાઇ રબારીને ફોન કરી આ અંગેની જાણ કરતા તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા. ત્યાર બાદ આ નવજાત બાળકને બહાર કાઢી જાેતા બાળકી હોવાનું માલૂમ પડ્યું હતું.

આ દરમિયાન કોઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરતા થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ અને તેમાં આ નવજાત બાળકીને સરકારી દવાખાનામાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવાર અર્થે ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે લઈ જવાઈ હતી.

આ બાળકીને માથામાં ઇજા છે અને ઓક્સિજન ઉપર 48 કલાક ઓબઝર્વેશનમાં છે. આ બાળકીનો જન્મ બે કે ત્રણ દિવસ અગાઉ જ થયો છે. પરંતુ હાલ એ જોખમથી બિલકુલ બહાર છે અને એની તબિયત પણ સ્થિર છે.

 

(જી.એન.એસ)