Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ગાઝા વાસીઓએ યુદ્ધના છાયા હેઠળ “રમઝાન”ની પ્રથમ નમાજ અદા કરી

તસવીરોમાં ગાઝાના લોકો તૂટેલી મસ્જિદના કાટમાળ પર તરાવીહ (ખાસ પ્રાર્થના) પઢતા જાેવા મળે છે.

ગાઝામાં લોકો પાસે કોઈ ઘર બાકી નથી, ગાઝાના લોકોને તેમના “રમઝાન” તંબુઓમાં વિતાવવાની ફરજ પડી છે.

ગાઝા,
ખાડી દેશોના મોટાભાગના ભાગોમાં સોમવારથી પવિત્ર રમઝાન માસ શરૂ થયો છે. યુદ્ધના ભયંકર સમયગાળામાંથી પસાર થઈ રહેલા ગાઝામાં આ વખતે રમઝાન ઈઝરાયેલના બોમ્બમારો અને ભૂખમરાની સાથે આવ્યો છે. વિશ્વભરના મુસ્લિમ દેશો રમઝાનમાં રોશનીથી ઝગમગી રહ્યા છે ત્યારે આ વર્ષે ગાઝામાં અંધારું છે. ઈઝરાયેલના બોમ્બમારા બાદ ગાઝાની લગભગ તમામ મસ્જિદો કાટમાળના ઢગલા બની ગઈ છે, ગાઝાના લોકો પાસે ઈફ્તાર કરવા માટે યોગ્ય ભોજન પણ નથી.

રવિવારની સાંજે રમઝાનના ચંદ્રના દર્શન થયા બાદ ગાઝાના ઘણા ભાગોમાં તરાવીહની નમાજ (રાત્રે ૮-૯ વાગ્યાની આસપાસ આપવામાં આવતી ખાસ પ્રાર્થના) અદા કરવામાં આવી હતી. તસવીરોમાં ગાઝાના લોકો તૂટેલી મસ્જિદના કાટમાળ પર તરાવીહ પઢતા જાેવા મળે છે. નમાઝ અદા કરનારાઓમાં વૃદ્ધ, નાના બાળકો અને મોટા બધાનો સમાવેશ થાય છે. આ સિવાય ફોટોમાં બોમ્બ વિસ્ફોટથી નાશ પામેલી મસ્જિદ સ્પષ્ટપણે જાેઈ શકાય છે.

રમઝાન દરમિયાન મુસ્લિમો ઘણીવાર તેમના ઘરોને શણગારે છે. પરંતુ ગાઝામાં લોકો પાસે કોઈ ઘર બાકી નથી, ગાઝાના લોકોને તેમના રમઝાન તંબુઓમાં વિતાવવાની ફરજ પડી છે. પેલેસ્ટિનિયનોએ તેમના તંબુઓને દીવા અને લાઇટથી પ્રકાશિત કર્યા છે. સોશિયલ મીડિયા પર ગાઝાની તસવીરોમાં બાળકોને રમઝાન ઉજવતા જાેઈ શકાય છે.
ગાઝામાં યુદ્ધ પ્રભાવિત લોકો ખાવા-પીવાની કટોકટીનો પણ સામનો કરી રહ્યા છે. આકાશમાંથી પેરાશૂટ દ્વારા લોકો સુધી ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. આવી ઘણી તસવીરો સામે આવી છે જેમાં લોકો પેરાશૂટથી આવતી મદદ પાછળ દોડતા જાેવા મળે છે. તાજેતરમાં, કેટલાક લોકો ખોરાક લેવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયા હતા અને કેટલાકના મોતના અહેવાલો પણ હતા.

યુએન અને મધ્યસ્થતામાં રોકાયેલા દેશોનો પ્રયાસ રમઝાન મહિના પહેલા હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ હાંસલ કરવાનો હતો. પરંતુ હમાસે આ ડીલમાંથી પીછેહઠ કરતા કહ્યું કે, સંપૂર્ણ યુદ્ધવિરામ સિવાય અમે અસ્થાયી યુદ્ધવિરામ માટે સંમત નહીં થઈએ. ગાઝામાં યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૧,૦૪૫ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૭૨,૬૫૪ ઘાયલ થયા છે. હમાસ દ્વારા ૭ ઓક્ટોબરના હુમલામાં લગભગ ૧૨૦૦ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને લગભગ ૨૦૦ લોકોને કેદી લેવામાં આવ્યા હતા.

 

(જી.એન.એસ)