Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

 PM મોદી જે સ્મૃતિવનનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તે વન બનાવવા પાછળનું કારણ કચ્છમાં આવેલો ભૂકંપ છે, જાણો કેમ ?

28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને તેથી હવે આ પ્રોજેક્ટ સાકાર થયો છે. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ છે વન બનાવવાનું કારણ 

28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. 

ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરાશે 

ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતૂથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે. તેના માટે આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ડિજીટલ મશાલથી શ્રદ્ધાંજલિ

પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.  

ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે 

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દિવાલો પર મુકવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *