આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય.
મુંબઈ,તા. ૨૫
સદીના મહાનાયક, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, મૂંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર અમિતાભ બચ્ચને સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરને યાદ કરીને પોતાના ભાવનાત્મક વિચારો શેર કર્યા હતા.
“બિગ બી”ને સંગીત, કલા, સંસ્કૃતિ અને સામાજિક કાર્યમાં તેમના અજાેડ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમની સાથે, શિવાંગી કોલ્હાપુરે, રણદીપ હુડા, એ.આર રહેમાન અને મહારાષ્ટ્ર ભૂષણ ૨૦૨૩ વિજેતા અશોક સરાફ જેવા ઘણા પ્રખ્યાત કલાકારો સ્ટેજ પર જાેઈ શકાય છે. લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે અમિતાભને પોતાના હાથે એવોર્ડ આપ્યો હતો.
લતા મંગેશકરના પિતા અને થિયેટર-સંગીતના દિગ્ગજ દિનાનાથ મંગેશકરના સ્મૃતિ દિવસ ૨૪ એપ્રિલે અમિતાભ બચ્ચનને આ એવોર્ડ મળ્યો હતો. અમિતાભ માટે તેમના ચાહકો માટે આ એવોર્ડ મેળવવો ગર્વની વાત છે.
લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવી છે. આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના પ્રથમ પ્રાપ્તકર્તા હતા. તે પછી વર્ષ ૨૦૨૩માં લતા મંગેશકરની બહેન આશા ભોંસલેને આ એવોર્ડ મળ્યો હતો. સંગીત, કલા, સંસ્કૃતિ અને સામાજિક કાર્યમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે.
(જી.એન.એસ)