ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ઘણા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા
પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ કરવામાં આવે છે.
અમદાવાદ,તા.૧૫
છેલ્લાં ઘણા સમયથી “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” સામાજિક કાર્યો કરે છે આ વખતે ઉત્તરાયણમાં જે પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે તેમના માટે ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ ઈજાગ્રસ્ત પક્ષીઓના ઈલાજ માટેનું કેમ્પ ત્રણ દરવાજા, ભદ્ર પ્લાઝા, કારંજ ભવન પોલીસ સ્ટેશનની સામે રાખવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” સાથે “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (પાંજરાપોળ), “કારંજ ભવન પોલીસ સ્ટેશન” તથા મીડિયા પાર્ટનર તરીકે “સત્ય ની ફાઈલ”, “પોલીસ ફાઈલ”, ‘સંજરી એક્ષ્પ્રેસ” અને “સફીર” ન્યુઝ પેપર સહભાગી રહ્યા હતા.
દર વર્ષે “સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (પાંજરાપોળ) દ્વારા કોટ વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જીવદયા પ્રેમી મહેબૂબભાઈ કેરૂવાલાનું કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે અમને ઘણા કોલ મળ્યા હતા અને તેમાં સૌથી વધુ કબૂતર ઘાયલ થયાં હતાં. ચાઈનીઝ દોરીને કારણે પક્ષીઓ ઘાયલ થયાં છે.
“સંત શિરોમણી રોહિદાસ જીવદયા ટ્રસ્ટ” (પાંજરાપોળ)ના ટ્રસ્ટી જગદીશભાઇ વાઘેલા, વોલંટિયર મહેબૂબભાઈ કેરૂવાલા અને તેમની ટીમના સભ્યો દ્વારા છેલ્લા બે દિવસમાં ૧૦થી ૧૨ જેટલા પક્ષીઓની સર્જરી કરી સારવાર આપી હતી અને ઘણા પક્ષીઓ જેમને સામાન્ય ઈંજરી થઈ હતી તેમને સારવાર આપી હતી.
જીવદયા પ્રેમી અને “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ નઈમ ભાઈ શેખ જણાવે છે કે, “ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવવો જાેઈએ નહીં. તમારી આજુબાજુ ક્યાંય પણ દોરીના ગુચ્છા હોય, દોરી લટકતી હોય તો એનો યોગ્ય નિકાલ કરવો જાેઈએ અથવા નાશ કરવો જાેઈએ. આવી દોરીમાં વધારે પક્ષીઓ ભરાય છે અને મૃત્યુ પામતાં હોય છે. ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે. કારણ કે, પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઊડતાં પક્ષીઓ દોરીને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય છે.”