અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ
આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ
આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ
ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પહેલા જ દિવસે ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં પહેલા જ દિવસે જાહેર મિલકતો પરથી ૩૦૨૨ વોલ પેઇન્ટિંગ, ૭૬૭ પોસ્ટર, ૨૫૩ બેનર અને અન્ય ૮૭૬ એમ કુલ ૪૯૧૮ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી ૧૧૪૨ વોલ પેઇન્ટિંગ, ૧૬૫ પોસ્ટર, ૪૨૯ બેનર અને અન્ય ૩૭૪ એમ કુલ ૨૧૧૦ પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ ૭૦૨૮ પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.
આ ઉપરાંત જાહેર મિલકત પરની ૧૦૬૩ તથા ખાનગી મિલકતો પરથી ૧૧૭૦ પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને પણ ભૂંસવાની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણની કામગીરી આગામી દિવસોમાં પણ જારી રહેવાની છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે અને સક્રિયપણે સતત કામગીરી કરી રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.
(જી.એન.એસ)