Safeer News

Breaking News from Ahmedabad

દેશ

તાત્કાલિક લોનના બહાને ખિસ્સા ખાલી કરતી એપ્સ સામે કડક કાર્યવાહી માટે RBI તૈયાર

ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને ફસાવતી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાશે

ઘણી કંપની ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને છેતરપિંડી કરે છે. હવે સરકાર આવી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ માટે ભારતીય રિઝર્વ બેંકે આવી લોન એપ્સની વ્હાઇટલિસ્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે જેથી કરીને ભરોસાપાત્ર એપ્સની ઓળખ કર્યા બાદ છેતરપિંડી કરનાર એપ્સ સામે કડક કાર્યવાહી કરી શકાય.

RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે, લોન આપવામાં અગ્રણી એપ્સની યાદી તૈયાર કરીને સરકારને મોકલી દેવામાં આવી છે. આ લિસ્ટમાં જે એપ્સના નામ સામેલ નથી તેના વિરુદ્ધ આઈટી મંત્રાલય કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં માહિતી આપી હતી કે, રેગ્યુલેટેડ સંસ્થાઓ-બેંક અને એનબીએફસીની મદદથી આરબીઆઈએ અગ્રણી લોન એપ્સની યાદી તૈયાર કરી અને તેને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને સોંપી.

શક્તિકાંત દાસે કહ્યું કે, સૌથી મોટી સમસ્યા ખોટી લોન આપતી એપ્સને કારણે છે. જ્યારે પણ આવી એપ્સ સંબંધિત સમસ્યા સામે આવે છે ત્યારે આરબીઆઈ સરકાર સાથે વાત કરે છે. કાયદા અમલીકરણ એજન્સીઓ અને સંબંધિત મંત્રાલયો વચ્ચે ઘણી બેઠકો પણ યોજાય છે. આ પછી જ કોઈ ર્નિણય લેવામાં આવશે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા દ્વારા લોકોને આકર્ષક ઇન્સ્ટન્ટ લોનની જાહેરાત અંગે ચેતવણી આપી હતી. અગાઉ પણ તેમની સામે કાર્યવાહી કરવાની વાત થઈ હતી. પરંતુ સરકાર પાસે રજિસ્ટર્ડ લોન એપની યાદી નથી. તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ હવે IT મંત્રાલયે લોનના નામે લોકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ લોન દ્વારા છેતરપિંડી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક અંદાજ મુજબ ખોટી લોન આપવાનો કારોબાર ૭૦૦-૮૦૦ મિલિયન ડોલરનો હોઈ શકે છે. સરકારે પણ તેના પર અંકુશ લાવવાની તૈયારી કરી લીધી છે.

 

(GNS)