આગામી ૫ દિવસ ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા
અમદાવાદ,
ગુજરાતમાં સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, સતત બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે. આ સ્થિતિની વચ્ચે થઈ છે એક ખતકનાક આગાહી.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે પરંતુ બીજી તરફ વાહનની રફતારની ગતિએ પવન ફૂંકાશે. હવામાન અંગે કરાયેલાં અનુમાન મુજબ આગામી દિવસમાં ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વર્તાઈ રહી છે. ભારે પવનને કારણે વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડશે. સાથે જ કાચા મકાનોને પણ ખતરો ઉભો થશે. એમાંય જાે સાવ હલકા છાપરા હશે મકાન પર તો એ હવામાં પણ ઉડી શકે છે. આ અમે નથી કહી રહ્યાં આ દિશા તરફ ઈશારો કરી રહી છે હવામાન વિભાગની આગાહી.
આગાહી એવી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. લગભગ ૩૫ કિલો મીટરની આસપાસ પવનની ગતિ રહેશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. તેની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થતા ગરમીનું પ્રમાણ વધે એવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉત્તર પશ્ચિમી અને ઉત્તર દિશા તરફથી પવનની ગતિ રહેશે તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં ૨૫થી ૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. તદુપરાંત અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં પવનની દિશા ઉત્તર પૂર્વ અને ઉત્તર દિશા તરફથી રહેશે.
હવામાન વિભાગ દ્વારા આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ૫ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સુકું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી. સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ, તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી.
(જી.એન.એસ)