Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો

(અબરાર એહમદ અલવી)

* રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
*રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ
*મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
*એન.પી.એસ.ના કર્મચારીએ 10 ટકા ફાળો આપવાનો રહેશે-રાજ્ય સરકાર 14 ટકા આપશે.
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ત્રણ હિતકારી નિર્ણયો કર્યા છે.

ગાંધીનગર,તા.૨૯ 

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે, પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે, 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમજ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.

મુખ્યમંત્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. તદઅનુસાર, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ ૬ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.