ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે.
ગાઝા શહેરમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં લઈ રહ્યા છે આશરો
આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતો ત્યારે લોકો જીવનો ડર રાખ્યા વિના તેને એકત્રિત કરવા માટે સમુદ્રમાં કૂદી પડ્યા
ગાઝા,
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધે ગાઝામાં વિનાશ વેર્યો છે. બરબાદી એવી છે કે, તેને જાેઈને કોઈનું પણ હૃદય દુઃખી થાય. હુમલામાં નાશ પામેલા મકાનોનો કાટમાળ ચારે બાજુ પડેલો છે. જ્યાં પહેલા ધમાલ અને કોલાહલ હતી, આજે ત્યાં મૌન છે. એ મૌનનો અવાજ સંભળાતો નથી પણ અનુભવી શકાય છે. ઈઝરાયેલી સેનાના હુમલામાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝા શહેરને સૌથી વધુ નુકસાન થયું છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે. ગાઝામાં લોકો ખોરાકની અછતનો સામનો કરી રહ્યા છે. નાના બાળકો ભૂખથી રડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, જ્યારે આકાશમાંથી ફૂડ પેકેટોનો વરસાદ થતો હતો ત્યારે લોકો પોતાના જીવની પરવા કર્યા વિના તેને એકત્રિત કરવા માટે દરિયામાં કૂદી પડ્યા હતા. આ દ્રશ્ય જાેઈને સ્પષ્ટ થાય છે કે, ભૂખ કંઈ જોતી નથી.
નાના બાળકો પણ દરિયા કિનારે ફૂડ પેકેટ લૂંટતા જાેવા મળે છે. ખાદ્યપદાર્થો કિનારે પહોંચતાની સાથે જ તેને લૂંટવાની સ્પર્ધા થાય છે. લોકો એકબીજા પર ચઢે છે અને પડે છે. આ દરમિયાન ભીડ પર ચાબુકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ પેટમાં ભૂખ એવી છે કે, દુખાવો કદાચ અનુભવાતો નથી. ફૂડ પેકેટ મળ્યાની ખુશી તેમના ચહેરા પર દેખાઈ આવે છે. ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે.
વાસ્તવમાં ઈઝરાયેલે ગાઝાના લોકોને મદદ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે સ્થિતિ વણસી રહી છે. જાે કે, અરબ અને અમેરિકા સહિતના ઘણા દેશો ગાઝામાં સતત રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે. જેમાં ખાણી-પીણીની સાથે-સાથે દવાઓ જેવી ઘણી મહત્વની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ દેશો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ખતમ કરવાના સતત પ્રયાસ કરી રહ્યા છે.
ઇઝરાયેલ સતત હમાસના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ ૩૦૦૦ લોકોના મોત થયા છે.
(જી.એન.એસ)