નાંદોદ તાલુકાના સિસોદરા ગામે પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા ડેમમાંથી 16 સપ્ટેમ્બરની સાંજથી 20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાંઠે વસેલા ગામોની માઠી દશા થઈ હતી. પૂરના પાણીમાં ખેતીના પાકને પણ ખૂબ નુકસાન થયું હતું. ઘણા ગામો પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી ત્યાંના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરાંત ખેડૂતોની ખેતીને ભારે નુકસાન થયું છે.
પૂરના કારણે વીજ થાંભલા પડી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ત્યારે પૂરને ૧૫ દિવસ જેટલો સમય થઈ ગયો છતાં પણ નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં ખેતીવાડી ફીડર બંધ રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે આજે ખેડૂતોએ રાજપીપળા ખાતે આવેલ વીજ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે ખેડૂતોના પાક પાણી વગર નુકશાન થાય તેવો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે, જેથી ઝડપથી વીજ પુરવઠો શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.