ડિસેમ્બરની શરૂઆતમાં જ ચાઈનીઝ દોરીથી ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ત્યારે હજી આ જીવલેણ દોરો ઉત્તરાયણ સુધી કેટલાના જીવ લેશે..?
સુરત,તા.૩
હજી તો ડિસેમ્બર મહિનો ચાલે છે, ઉત્તરાયણને હજી દોઢ મહિના જેટલી વાર છે, તે પહેલા તો ગુજરાતમાં જીવલેણ ચાઈનીઝ દોરી લોકોના જીવ લઈ રહી છે. અમદાવાદ, મહેસાણા બાદ હવે સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવકનું મોત નિપજ્યું છે. ડિસેમ્બરની શરૂઆતમાં જ ચાઈનીઝ દોરીથી ત્રણ યુવકોના મોત થઈ ગયા છે. ત્યારે હજી આ જીવલેણ દોરો ઉત્તરાયણ સુધી કેટલાના જીવ લેશે..?
સુરત જીલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું છે. કીમ રેલવે ઓવરબ્રિજ પર ઘટના બની હતી. શૈલેષ વસાવા નામનો યુવક પોતાની પત્ની સાથે જઇ રહ્યો હતો. યુવકને કીમ સાધના હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. સુરત પહોંચે એ પહેલાં જ યુવકનું આ જીવલેણ દોરીથી મોત નિપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ મોકલવા આવ્યો છે.
સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના સરદા ગામમાં રહેતા શૈલેષ વસાવા કંપનીમાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરિવારમાં પત્ની અને બે સંતાન છે. પત્નીની તબિયત સારી ન હોવાથી તે પત્નીને સારવાર અર્થે કિમ ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘરે જતી વખતે કિમ બ્રિજ ઉપરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પતંગની ચાઈનીઝ દોરી આવી જતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને લઇ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત શૈલેષભાઈને તાત્કાલિક સારવાર કરાવા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતું હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે સુરત ખાતે લાવવામાં આવી રહ્યા હતા. પરંતુ સુરતમાં શૈલેષભાઈને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમનું મોત નિપજ્યું હતું
ઘટનાને લઈ પરિવારમાં લોકો સહિત ગામના સરપંચ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સરપંચે જણાવ્યું હતું કે, ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં અન્ય લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે, આની તંત્રએ સખત કાર્યવાહિ કરવાની જરૂર છે.
આ વર્ષે સૌપ્રથમ અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી ૨૭ વર્ષના યુવકનું મોત થયું હતું. આ ઘટનાના અઠવાડિયા બાદ મહેસાણા તાલુકાના બાલિયાસણમાં ચાઇનીઝ દોરીના કારણે ૨૫ વર્ષનો યુવક મોતને ભેટ્યો હતો. ૨૯ નવેમ્બરના રોજ સાંજે તે પત્ની સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે એકાએક ચાઇનીઝ દોરીથી ગળુ કપાઈ જતાં યુવક મોતને ભેટ્યો હતો. સુરત પોલીસે ઉત્તરાયણને લગતું એક જાહેરનામું જાહેર કર્યું છે. જેમાં આગામી ૧૬ જાન્યુઆરી સુધીમાં સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત તહેવારમાં ઉશ્કેરણીજનક લખાણ અને મોટા અવાજે સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
(એચ.એસ.એલ)