છેલ્લાં 10 મહિના દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચ્યાં
૫૦ દિવસમાં નવ(૯) વ્યક્તિના અંગદાનમાં મળી સફળતા- ડૉ. રાકેશ જોષી
અમદાવાદ,
આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપથી મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં અંગદાતા એવા બ્રેઇનડેડ દર્દીઓએ અંગદાન મેળવનાર દર્દીઓ માટે ઇશ્વરતુલ્ય જ હોય છે, કેમ કે આવા દાનથી તેમની જીંદગી ફરી વસંતની માફક ખિલી ઉઠે છે. તેથી જ અંગદાનને જીવનદાનની સમકક્ષ ગણાયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 18 લોકોના શરીરમાંથી મેળવેલા 62 જુદા જુદા અંગથી જુદા જુદા 50 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. છેલ્લે 8 નવેમ્બરે જે બ્રેઇનડેડ વ્યક્તિના અંગોનું દાન થયું તેને ગણતરીમાં લેતા છેલ્લાં 50 દિવસમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદને 9મું અંગદાન મળ્યું છે.
લેટેસ્ટ અંગદાનની વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી જણાવે છે કે, મૂળ બિહારના શિવપુર જિલ્લાના રહેવાસી પણ કામધંધા અર્થે રાજકોટમાં રહેતા 19 વર્ષીય યુવક દીપકકુમાર અશોકરામ પ્રસાદનો અકસ્માત થવાથી માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં. અહીં તેમને વેન્ટિલેટર પર રખાયા હતાં. 5 નવેમ્બરે તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતાં. પરિવારની સમજાવટ કર્યા બાદ 8 નવેમ્બરના રોજ બ્રેઇનડેડ દીપકકુમારના હૃદય, ફેફસાં, કિડની, લિવરનું દાન મેળવવામાં આવ્યું હતું.
આ અંગોનું હવે વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના શરીરમાં આરોપણ કરાશે અને એ રીતે અનેક જીવનમાં ફરી ખુશહાલીનો રંગ છવાશે.