Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ શહેરમાં ૬૫ સિગ્નલ પરથી બનશે ઓટોમેટિક ઈ-મેમો

અમદાવાદ,
અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક સિગ્નલ ઉપર નિયમભંગ કરતા વાહનચાલકોને કોઈ શેહ-શરમ કે વિવાદ વગર જ નિયમભંગના ઈ-મેમો ફટકારવા માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરી છે. શહેરના વધુ ૪૦ ટ્રાફિક સિગ્નલ ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. અત્યાર સુધી આશ્રમ રોડ અને સીજી રોડ ઉપરના કુલ ૨૫ કેમેરામાં ઓટોમેટેડ ઈ-મેમો સિસ્ટમ અમલમાં હતી. હવે, શાહીબાગ, સીજી રોડ, મણીનગર, નરોડા વિસ્તારના ટ્રાફિકવાળા મુખ્ય રસ્તાઓ ઉપરના ૪૦ ટ્રાફિક સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો જનરેટ થાય તેવા કેમેરા અને સિસ્ટમ્સ લગાવી દેવામાં આવ્યાં છે.

ટ્રાફિક પોલીસના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, ટ્રાફિક સિગ્નલ ઉપર ફ્રન્ટલાઈન કે ઝીબ્રા ક્રોસિંગ લાઈન જમ્પ કરીને ઉભા રહેતાં વાહનો, સિગ્નલ જમ્પ કરીને જતાં વાહનો ઉપરાંત હવે લેન સિસ્ટમ તોડનાર વાહનચાલક સામે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થઈ જાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. અનેક વાહનચાલકો સિગ્નલ હોય તેવા ચાર રસ્તાના ડાબા ખૂણે થોભ્યા પછી સિગ્નલ ચાલુ થાય ત્યારે જમણી બાજુએ ટર્ન લે છે. સ્વાભાવિક રીતે જ લેન સિસ્ટમનો અમલ થતો ન હોવાથી સિગ્નલ ખૂલે ત્યારે આવા એકલદોકલ વાહનચાલકના કારણે અન્ય વાહનચાલકોનો વધુ સમય બગડે છે. અમદાવાદમાં ટ્રાફિક સતત વધી રહ્યો છે. ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય રસ્તા ઉપર વાહન વ્યવહાર સામાન્ય રહે તે માટે ટ્રાફિક પોલીસે લેફ્ટ ટર્ન ખૂલ્લો રાખવા માટે બેરિકેટિંગ સિસ્ટમ અમલમાં મુકી છે. અનેક રસ્તા ઉપર તેની અસર જાેવા મળી રહી છે. હવે, શહેરના વધુ ૪૦ ટ્રાફિક સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો સિસ્ટમ સાથેના કેમેરા અમલી બનાવવામાં આવશે તેનાથી વાહનચાલકો ટ્રાફિક નિયમ પાલનમાં વધુ ચૂસ્ત બનશે તેવી અધિકારીઓને આશા છે.

અમદાવાદવાસીઓએ ટ્રાફિક નિયમના ભંગ બદલ અત્યાર સુધી કરોડો રૂપિયા ઈ-મેમોના દંડ પેટે ભર્યા હોવા છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના ભારે ટ્રાફિકથી ધમધમતા વધુ ૨૦ મુખ્ય રસ્તા ઉપર હવે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થઈ જશે. વધુ ૪૦ ટ્રાફિક સિગ્નલમાં કેમેરા સાથે ઓટોમેટિક ઈ-મેમો તૈયાર થાય તેવું આયોજન કરી દેવાયું છે. હવે કુલ ૬૫ સિગ્નલ ઉપર ઓટોમેટિક ઈ-મેમો બનવા લાગશે તેનાથી વાહનચાલકોને કોઈ ફરિયાદ નહીં રહે તે સાથે જ લોકોની ટ્રાફિક સેન્સમાં વધારો થશે. લેફ્ટ ટર્ન ખૂલ્લો રાખવા બેરિકેટિંગ પછી ઈ-મેમો પદ્ધતિને વધુ મજબૂત બનાવાઈ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *