ટામેટા ચોરીની ઘટના સીસીટીવી (CCTV)માં પણ કેદ થઈ હતી જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.
સુરત,
ગુજરાત સહિત દેશમાં ટામેટાંના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટામેટાંની કિંમત આસમાને પહોંચી ગઈ છે. દેશભરમાં ટામેટા 150થી 200 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યાં છે. આ વચ્ચે ટામેટાં પર હવે ચોરોની પણ નજર પડી છે. અનેક જગ્યાએ ટામેટાની ચોરી થવાની ઘટના સામે આવી રહી છે. સુરતમાં પણ એક ચોરે ટામેટાંની ચોરી કરી હતી. આ ઘટનાની પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટામેટા ચોરીની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. હવે પોલીસે સીસીટીવીના આધારે ચોરની ધરપકડ કરી લીધી છે.
બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. આની પહેલા મોટા વરાછા વિસ્તારમાંથી બટેકાની ચોરી થયા બાદ હવે ટામેટાની પણ ચોરીની ઘટના સામે આવી છે. બજારમાં ટામેટાના ભાવ 200ને પાર થતાં હવે ટામેટાંની ચોરી પણ થવા લાગી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુના ટામેટાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. માર્કેટમાંથી ટામેટાની ચોરી સીસીટીવીમાં કેદ થઈ હતી.
કાપોદ્રા માર્કેટમાંથી ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે ટામેટાંની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. શાકભાજીના ભાવ વધારા બાદ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, તેવામાં શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.