અમદાવાદ,તા.૦૪
ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા અનુસાર જાન્યુઆરી, ૨૦૨૦થી ૧૫ મે, ૨૦૨૩ દરમિયાન ગુજરાતીઓએ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ અથવા હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સાયબર ક્રાઈમ સંબંધિત કુલ ૧.૫૯ લાખ અરજીઓ કરી છે. દર મહિને સરેરાશ ૫,૫૮૫ અરજીઓ આવે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જાહેર કરાયેલ આંકડાઓમાં આ સમયગાળા દરમિયાન સાયબર ક્રાઈમ સંબંધિત ૧ લાખથી વધુ અરજીઓ નોંધનાર ૯ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે. એક RTIના જવાબમાં NCRB દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જેમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની વાત કરીએ તો રાજ્ય પોલીસે ૧.૫૯ લાખ અરજીઓ સામે માત્ર ૦.૮ ટકા એટલે કે, ૧,૨૩૩ FIR નોંધાઈ છે. દેશમાં તેની સરેરાશ ૧.૯ ટકા હોવાથી ગુજરાત તેમાં પાછળ છે.
અમદાવાદ સાયબર સિક્યોરિટી ફર્મના સીઈઓ સન્ની વાઘેલાએ જણાવ્યું હતું કે, કોવિડ પછીનો સમયગાળો કોવિડ પહેલાના દૃશ્ય કરતાં તદ્દન અલગ છે. લોકડાઉન દરમિયાન અને તેના પછી ડિજિટલ વ્યવહારોમાં ભારે વધારો જાેવા મળ્યો છે. જેના કારણે ઓનલાઇન છેતરપિંડી કરનારાઓને ડિજિટલ અંગે ઓછું જાણતા લોકોને લૂંટવાની તક મળી હતી. અમદાવાદ પોલીસના સાયબર ડીસીપી અજીત રાજીયને જણાવ્યું હતું કે, પાછલા વર્ષોની સરખામણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં અરજીઓ અને એફઆઈઆર બંનેમાં વધારો જાેવા મળ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ નાની હોય અને જાે ગેંગ બહારના કોઈ સ્થળેથી ઓપરેટ કરતી હોય તો FIR થવાની શક્યતાઓમાં ઘટાડો નોંધાય છે. સાયબર છેતરપિંડી કરતા લોકો સતત તેમની મોડસ ઓપરેન્ડી બદલતા રહે છે, તેથી લોકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ જ આવા ગુનાઓને રોકી શકે છે.