સાજીદ સૈયદ, નર્મદા
સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજપીપળાની જિલ્લા સબ જેલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 1 ઓક્ટોબરના રોજ “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત ગાંધી જયંતીના દિવસે મહાત્મા ગાંધીજીને ટ્રીબ્યુટ આપવાના શુભ આશયથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, અને તારીખ 2 ઓક્ટોબરના રોજ સબ જેલના અધિકારીઓ કર્મચારી બંદિવાનો માટે યોગ તાલીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
2જી ઓક્ટોબરના રોજ કાર્યક્રમની શરૂઆત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી કરવામાં આવી હતી. ત્યારબાદ જેલના બંદિવાનો દ્રારા મહાત્મા ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ” તથા અન્ય દેશ ભક્તિના ગીતો ગાતા જેલના વાતાવરણમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ પછી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલ સર્ટીફાઇડ યોગ ટ્રેઇનર્સ વસંતભાઇ વસાવાની ટીમ દ્રારા જેલનાં અધિકારી અને કર્મચારીઓ તેમજ સબ જેલનાં પુરૂષ અને મહિલા બંદિવાનોને યોગની તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજપીપળા જીલ્લા સબ જેલનાં અધિક્ષક આર.બી.મકવાણા દ્વારા જેલનાં કેદીઓને ગાંધીજીના વિચારો અને ગાંધીજીએ આ દેશ પ્રત્યે દાખવેલ ઉમદા કાર્યોને પણ બિરદાવેલ હતા.