બાયડ,
આજ કાલના જમાનામાં બાળકોને પણ મોબાઈલ વિના ચાલતું નથી પણ તેજ વસ્તુ તેમના જીવન માટે ક્યારેક ખુબ જ નુકસાનકારક પુરવાર થઇ શકે છે. મોબાઈલ જીવનને જાેખમમાં પણ મૂકી દે છે.
બાલાસિનોર તાલુકાના પરબિયા નજીક રહેતા કિશોરે મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતાં દરમિયાન ફોનની બેટરી ફૂટતાં કિશોરની ૪ આંગળીનાં ટેરવાં કપાઇ જતાં બાયડની હોસ્પિટલમાં સારવાર માટે લવાતાં ઓપરેશન કરી સારવાર કરી હતી. પરબિયા નજીક રહેતો કિશોર મોબાઇલ ચાર્જિંગમાં મૂકી ગેમ રમતો હતો. એ વેળાએ અચાનક જ મોબાઈલની બેટરી ફાટતાં કિશોરનો હાથ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. કિશોરના હાથની ચાર આંગળીનાં ટેરવા કપાઈ જતાં લોહીલુહાણ થઇ ગયો હતો. તરત જ પરિવાર બાયડની શ્રીજી હોસ્પિટલમાં તેને લાવ્યા હતા. શ્રીજી હોસ્પિટલના ઓર્થોપેડિક દીપેનભાઇ પંચાલે જણાવ્યું કે હાથની બે આંગળીનાં ટેરવાને ભારે નુકસાન થયું હતું. બે કલાક ઓપરેશન કર્યા બાદ આંગળીઓને બચાવી લેવામાં આવી હતી.