નૂરજહાં જ્યારે તેના બાળકોને બાળ સંરક્ષણ આયોગના સભ્યો પાસે છોડીને પ્રેમી સાથે તેના ઘરે જવા લાગી તો બાળકો રડવા લાગ્યા હતા. તે માતાની પાછળ ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસ અને બાળ કલ્યાણ સમિતિના સદસ્યો લાચાર હતા. તેમણે બાળકોને બાળગૃહ મોકલી દીધા.
અલવર,
રાજસ્થાનમાં લવ મેરેજનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહીલાએ તેના પતિ અને પાંચ બાળકોને છોડીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. મહીલાના પ્રેમીને પણ પાંચ બાળકો છે. આ લગ્નથી ૧૦ બાળકો માતાના અને પિતાના પ્રેમથી વંચિત થઈ ગયા છે. મહીલાએ તેના બાળકોને બાળ કલ્યાણ સમિતિને સોંપી દીધા છે. પ્રેમીના પાંચ બાળકો અને તેની પહેલી પત્નીને તેના દાદા-દાદીએ રાખી લીધા છે. પ્રેમીના પિતાએ પુત્રના આ પગલાથી નારાજ થઈને તેને પરિવારમાંથી બેદખલ કરી દીધો છે.
પોલીસના અનુસાર, મામલો રાજસ્થાનના અલવર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. હરિયાણાના તાવડુની રહેવાસી મહીલા નૂરજહાંના લગ્ન ૨૦૦૭માં અલવર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના જાજાેર વાસના રહેવાસી તૈયબ ખાન સાથે થયા હતા. લગ્નના ૧૫ વર્ષ બાદ નૂરજહાંએ ૫ બાળકોને છોડીને અલવરના તૂલેડા ગામના રહેવાસી તેના પ્રેમી મૌસમ ખાન સાથે લગ્ન કરી લીધા છે. મૌસમ ખાન પણ પરિણીત છે, તેને પણ પાંચ બાળકો છે. નૂરજહાં જ્યારે તેના બાળકોને બાળ સંરક્ષણ આયોગના સભ્યો પાસે છોડીને પ્રેમી સાથે તેના ઘરે જવા લાગી તો બાળકો રડવા લાગ્યા હતા. તે માતાની પાછળ ભાગવા લાગ્યા હતા. પરંતુ પોલીસ અને બાળ કલ્યાણ સમિતિના સદસ્યો લાચાર હતા. તેમણે બાળકોને બાળગૃહ મોકલી દીધા.
બીજી તરફ મૌસમ ખાન દ્વારા પ્રેમીકા સાથે લગ્ન કર્યા બાદ તેના માતા-પિતાએ તેમના પૌત્રો અને પુત્રવધૂને તેમની પાસે રાખી લીધા હતા. તેમણે સદર પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવીને મૌસમને પરિવારથી બેદખલ કરી દીધો છે. મૌસમના પિતાએ પોલીસને કહ્યુ કે, જે વ્યક્તિ તેની પત્ની અને બાળકોનો ના થયો, તે ઘરડા મા-બાપનો શુ થશે. એટલા માટે અમે તેને ઘર અને સંપત્તિમાંથી બેદખલ કરીને તેને ત્યજી દીધો છે.
અલવરના સદર પોલીસ સ્ટેશનના એએસઆઈ બ્રહ્મ પ્રકાસે કહ્યુ કે, નૂરજહાં અને મૌસમ ખાન ગુરૂવારની રાતે જયપુર હાઈકોર્ટ દ્વારા પ્રોટેક્શન લઈને અલવર આવ્યા હતા. નૂરજહાંનું કહેવુ છે કે, તેણે ૩ મહીના પહેલા જયપુરમાં મૌસમ સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે. હવે તે ૪ બાળકોને બાળ સંરક્ષમ સમિતિને સોંપીને જવા માંગે છે. એક બાળક હરિયાણામાં છે. તે ત્યાં મજૂરી કરે છે. સદર પોલીસ સ્ટેશન અને બાળ કલ્યાણ સમિતિએ નૂરજહાંને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ પર પહેલા તો તે બાળકોને સાથે રાખવા તૈયાર થઈ પરંતુ પછી પોતાની વાત પરથી ફરી ગઈ. નૂરજહાંએ તેના પૂર્વ પતિ પર આરોપ લગાવ્યો કે તે એક ટ્રક ડ્રાઈવર છે. તે ઘરે આવે છે અને પાછો જતો રહે છે. ન તેની સંભાળ રાખે છે ન તો બાળકોની. તે દરરોજ દારૂ પીને આવે છે. એવામાં ઘણા વર્ષો તેને સહન કર્યો. પરંતુ હવે નહી.