નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભીમસિંગભાઈ શનાભાઈ તડવી અને ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ વિનુભાઈ માછીની વરણી
નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વનીતાબેન સુનીલ કુમાર વસાવા તથા ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલનો બિન હરીફ વિજય
સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ જતા આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા જિલ્લા પંચાયતના સભાખંડમાં નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા તથા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પંન્નુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જ્યારે નાંદોદ તાલુકાના પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારી શૈલેસ ગોકલાણી અને તાલુકા વિકાસ અધિકારી અંજલિ ચૌધરીની અધ્યક્ષતામાં નાંદોદ તાલુકા પંચાયતમાં યોજાઈ હતી. નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે એક એક જ ફોર્મ આવ્યું હોય નર્મદા જિલ્લા પંચાયત અને નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિન હરીફ વરણી થઈ હતી.
રાજ્યમાં નગરપાલિકા, મહાનગર પાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ આગામી અઢી વર્ષ માટે નવી બોડીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપ તરફથી ભીમસિંગભાઈ શનાભાઈ તડવીએ અને ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ વિનુભાઈ માછીએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સામે કોઈ પણ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે તેમની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાની તાલુકા પંચાયતોમાં જેમાં આજે નાંદોદ તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ભાજપ તરફથી પ્રમુખ તરીકે વનીતાબેન સુનીલકુમાર વસાવા અને ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. સામે કોઈ પણ ઉમેદવારોએ ઉમેદવાર તરીકે ફોર્મ ન ભરતા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે તેમનો બિન હરીફ વિજય થયો હતો.