નડિયાદ,તા.૫
નડિયાદમાં વેક્સિનેશન કામગીરીમાં લોલમલોલ બહાર આવી છે. એક ડોક્ટરે વેક્સિન નહીં લીધી હોવા છતાં તેમના નામનું ઓનલાઇન સર્ટિફિકેટ આવી ગયું છે. ત્યારે આ વ્યક્તિની રસી કોણ લઇ ગયું? તે પ્રશ્ન ઉભો થયો છે. જ્યાં રજીસ્ટ્રેશન કરાવતા તેમના ડોક્યુમેન્ટ ઓનલાઇન ચઢી રહ્યા ન હતા. જેથી સેન્ટર પરના કર્મચારીએ તેની એન્ટ્રી પહેલા જ થઇ ગઇ હોવાનું જણાવતા ડોક્ટર આશ્ચર્ય પામ્યા હતા. જાે તેમણે રસી નથી લીધી તો રસી લીધી કોણે?
શહેરના આઈ.જી. માર્ગ પર આવેલ ગજાનંદ સોસાયટીમાં ડો.ધ્રુવકુમાર ગઢવી રહે છે. પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડો.ધ્રૂવકુમારે ગત મે મહિનામાં વેક્સિન લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ સ્લોટ નહી મળતા વેક્સિન લીધી ન હતી. જે બાદ આજે તેઓ રસી લેવા માટે આઇ.જી માર્ગ પર આવેલા સેન્ટર પર વેક્સીન લેવા પહોંચ્યા હતા. પરંતુ હાજર કર્મચારીએ અગાઉ તેમના ડોક્યુમેન્ટની એન્ટ્રી થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. રજીસ્ટ્રેશન નહી થતા ડો.ધ્રૂવકુમાર ઘરે પરત ફર્યા હતા. આ બાબતે ડો.ધ્રૂવકુમારે જિલ્લા કલેકટરને લેખિત અરજી કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
નડિયાદમાં વગર વેક્સિનેશને ડોક્ટરનું સર્ટીફીકેટ આવી જવું એ કોઈ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ આ પ્રકારની ફરિયાદો ઉઠી છે. પરંતુ નાગરિકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ખચકાય રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ આ બાબતે ગંભીરતાથી તપાસ કરે તે જરૂરી છે.