કીર્તિ મંદિર ખાતેથી પ્રારંભ થયેલી આ પરિવર્તન યાત્રા ઢોલ-શરણાઇ સાથે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને ઇશુદાન ગઢવીએ શહેરીજનોનું અભિવાદન જીલ્યું હતું.
પોરબંદર,તા.૧૭
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ગુજરાતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પ્રારંભ થયેલી આ પરિવર્તન યાત્રા આજે પોરબંદર આવી પહોંચી હતી. આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ કીર્તિ મંદિર અને ગાંધી જન્મ સ્થળ ખાતે ગાંધીજીના દર્શન કર્યા બાદ પરિવર્તન યાત્રાનું પ્રસ્થાન થયું હતું. `આપ’ના નેતા ઇશુદાન ગઢવીએ એવું જણાવ્યું હતું કે “દેશી અંગ્રેજો સામે લડવા માટે આજે મહાત્મા ગાંધીના આશીર્વાદ મેળવ્યા છે.”
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ સમયાંતરે મુલાકાતે આવે છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે. કેજરીવાલના ગુજરાતના પ્રવાસને લઇને રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પરિવર્તન યાત્રાનું આયોજન કર્યું છે. દ્વારકા ખાતેથી પ્રસ્થાન થયેલી આ પરિવર્તન યાત્રા આજે ૧૭મે ને મંગળવારે પોરબંદર આવી પહોંચી હતી. ગુજરાત `આપ’ના નેતા ઇશુદાન ગઢવીએ કીર્તિ મંદિર અને ગાંધી જન્મસ્થળની મુલાકાત લઇ ગાંધીજીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે આ ભૂમિ ક્રાંતીની ભૂમિ છે. ગાંધીજીએ અંગ્રેજો સામે લડત આપી દેશને આઝાદ કરાવ્યો હતો. હાલ દેશી અંગ્રજોનું શાસન છે. તેમની સામે લડવા માટે ગાંધીજીના આશીર્વાદ મેળવ્યા છે. આ યાત્રાને લઇને ઇશુદાન ગઢવીએ એવું જણાવ્યું હતું કે જન જન સુધી પહોંચવા માટે ગુજરાતમાં અલગ અલગ ૬ સ્થળોએથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. ત્યારબાદ ગાંધીનગર ખાતે સમાપન થશે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે. આ યાત્રાનો હેતુ આમ નાગરિકો, ખેડુતો, સોષિતો, જરૂરિયાતમંદ લોકો તેમજ ખેડૂતો, સાગરખેડૂતો, બેરોજગારો સુધી પહોંચવાનો છે. તેમની વ્યથા સાંભળવા એસી ચેમ્બરમાં બેસીને કામ ન થાય તે માટે અમે આ યાત્રાનું આયોજન કર્યું છે. માછીમારોના મુદ્દે એવું જણાવ્યું હતું કે ડિઝલ ભાવ વધારા તેમજ પાયાની સુવિધાના અભાવે માછીમારો બેહાલ બન્યા છે. જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો માછીમારોના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ લાવશું.
મફતની રાજનીતી અને મહાઠગના મુદ્દે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલા મુદ્દે ઇશુદાન ગઢવીએ એવું જણાવ્યું હતુ કે મફતની રાજનીતી કોણ કરે છે તે સૌ કોઇ જાણે છે. તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ઉપર નિશાન તાકતા એવું જણાવ્યું હતું કે ભાજપના નેતાને મફત વીજળી મળે છે, મફત આરોગ્યની સવલત મળે છે અને પ્રજાને મફત કાંઇ આપતા નથી. કેજરીવાલે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વીના લોકોને પાયાની સુવિધા આપી છે. મહાઠગના મુદ્દે ઇશુદાને એવું જણાવ્યું હતું કે મહાઠગ કોણ છે તે ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે. મોંઘવારી હોય કે બેન્ક કૌંભાડ હોય તે કોણે કર્યા છે તેનાથી પ્રજા વાકેફ છે. એટલે ખોટી રીતે ભરમાયાવીના ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ રાખે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસથી પ્રજા ત્રાહિમામ થઇ ગઇ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો આમ જનતાની સમસ્યાઓ દુર થશે તેમ પણ અંતમાં ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું.