ગાંધીનગર, તા.૧૫
રાજ્યમાં મંદ પડેલા કોરોનાના સંક્રમણને પગલે જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે મનપા વિસ્તારમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા વધુ એક દર્દી સાજાે થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી. જ્યારે મંદ પડેલી કોરોનાની હાલની સ્થિતિએ જિલ્લામાં વેક્સિનેશને વેગ પકડતા મંગળવારે વધુ ૧૧૭૫૫ લોકોએ રસીનો પ્રથમ અને બીજાે ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી ૩૬૩૭ લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૮૧૧૮ વ્યક્તિઓએ કોરોનાની રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.
સઘન વેક્સિનેશનના ભાગરૂપે કલોલ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટરમાં મુસ્લિમ સમુદાયના આગેવાનો, ધર્મગુરૂઓ સાથે બેઠક કરીને રસીથી થતા ફાયદાની જાણકારી આપી હતી. જેને પરિણામે મુસ્લિમ સમુદાયના ૫૦ ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. જિલ્લાના તમામ ગામો તેમજ નગરપાલિકા વિસ્તારમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝની ૧૦૦ ટકા કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે આદેશ કર્યો છે. જેના ભાગરૂપે મુસ્લિમ સમુદાયવાળા વિસ્તારોમાં વેક્સિનેશન વધુ થાય તે માટે સમુદાયના અગ્રણીઓ તેમજ ધર્મગુરૂઓની સાથે બેઠક કરવાની જિલ્લા આરોગ્ય અધિકારીએ સુચના આપી હતી. જેના ભાગરૂપે કલોલ નગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર નંબર-૨ના મેડિકલ ઓફિસર ડૉ. રીસી કડીકરે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ધર્મગુરૂઓની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમુદાયના અગ્રણીઓને રસી લેવાથી શું શું ફાયદા છે. કોરોનાની મહામારીમાં રસી કેમ લેવી જાેઇએ તેની પણ જાણકારી આપી હતી. ઉપરાંત સમુદાયના અગ્રણીઓ અને લોકોએ કરેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે બેઠકને અંતે ૫૦ ટકાથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાનું જિલ્લા રસીકરણ અધિકારી ડૉ. હરેશ નાયકે જણાવ્યું છે. જ્યારે બીજી તરફ નોકરી કે ધંધાર્થે દિવસ દરમિયાન બહાર રહેતા લોકો માટે કલોલ તાલુકામાં રાત્રી રસી કેમ્પોનું આયોજન કરાયું હતું. તેમાં કલોલ અર્બન હેલ્થ સેન્ટરની ટીમે અંકિત વિદ્યાલયમાં કોવિશિલ્ડ વેક્સિન માટે રાત્રી કેમ્પનું આયોજન કર્યું હતું. રાત્રી કેમ્પમાં ૨૫૩ લોકોને રસી અપાઈ હતી.