શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે “આ પ્રકારે નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે.”
(રીઝવાન આંબલીયા)
અમદાવાદ,તા.૨૮
શહેરના પંડિત દિનદયાલ ઓડીટોરિયમ ખાતે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા જેસીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં ૧૫૦૦થી વધુ પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફની હાજરીમાં નાટક “રોડ પર મસ્તી જરાય નથી સસ્તી”નો શો યોજવામાં આવ્યો હતો.
ટ્રાફિક મેન અર્થાત્ T-manથી અભિયાન ચલાવતા પરેશ દવે અને લેખક દિગ્દર્શક ચિન્મય મહેતા HSC પ્રોડક્શન દ્વારા વર્ષ ૨૦૧૯થી ટ્રાફિકના નિયમો અને સલામતી અંગે નાગરિકોમાં જાગૃતતા આવે તે હેતુથી “રોડ પર મસ્તી જરાય નથી સસ્તી” નાટકના અનેક “શો” ભજવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોની સલામતી અને ટ્રાફિકના પાલન માટે ખૂબ જ કુશળ અને સંવેદનશીલ એવા જેસીપી મયંકસિંહ ચાવડાના માર્ગદર્શન અને સૂચના હેઠળ ડીસીપી નીતાબેન દેસાઈના પ્રયત્નો થકી છેલ્લા થોડા સમયથી ટ્રાફિક પોલીસ જવાનો વચ્ચે આ નાટકના વિવિધ શો નિયમિતપણે યોજવામાં આવેલ છે.
અમદાવાદના મેયર કિરીટકુમાર પરમારે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં પોલીસ વિભાગની કામગીરી બિરદાવતા કહ્યું હતું કે, આ પ્રકારે નાગરિકોમાં ટ્રાફિકના નિયમો અને તેના પાલન અંગે જાગૃતતા લાવવી ખૂબ જરૂરી છે. જનહિત અને સામાજિક ઉદ્દેશ્યથી ભજવવામાં આવતા નાટકના શોના આયોજન બદલ મેયરએ પોલીસ કમિશ્નર, JCP મયંકસિંહ ચાવડા તથા નાટકના આયોજક, નિર્માતા અને કલાકારોને બિરદાવ્યા હતા. સાથેસાથે વધુમાં પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે આ નાટક ભજવવા માટે નાટકના હોલ સહિત આ પ્રકારની સેવાઓ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેઓનો અચૂક સહકાર મળશે તેવી ખાતરી આપી હતી.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે “આ પ્રકારે નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે.” “નાટક રોડ પર મસ્તી… જરાય નથી સસ્તી”ના આજના શોના આયોજક પ્રજા (પ્રકાશ જાડાવાલા)એ પ્રાસંગિક વ્યક્તવ્યમાં મહેમાનોને આવકારતા જણાવ્યું હતું કે, વધતી જતી વસ્તી અને તેની સાથેસાથે વધતા જતા વાહન વ્યવહારના કારણે અનેક ટ્રાફિક સમસ્યાઓ ઊભી થતી જાય છે. અકસ્માતો અને આકસ્મિક મૃત્યુના આંકડા કૂદકે ને ભૂસકે વધતા જાય છે. આ બધાની વચ્ચે સરકારનું કામ છે નાગરિકોની સલામતી માટે નિયમો અને કાયદા બનાવવા. જ્યારે પોલીસ વિભાગનું કામ છે આ નિયમો અને કાયદાનું સુપેરે અમલવારી કરવાનું. પણ જો નાગરિકો પોતે જ પોતાની જવાબદારી સમજીને નિયમો અને કાયદાનું પાલન કરે તો અકસ્માતોનું પ્રમાણ અને ટ્રાફિકની સમસ્યાઓને હળવી બનાવી શકાય. આ માટે જરૂરી છે નાગરિકોમાં નિયમો અને કાયદા અંગે જાગૃતતા. અમે આ નાટક દ્વારા નાગરિકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રશાસનના માર્ગદર્શન અને સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના દરેક મોટા શહેરોમાં આ નાટકના શોનું આયોજન કરી રહ્યા છીએ.
આજે યોજાયેલ નાટકના કાર્યક્રમ અંતર્ગત પ્રશંશનીય કામગીરી કરનાર વિવિધ પોલીસ અધિકારીઓ, વિવિધ કર્મચારી, વિવિધ સામાજિક સંસ્થાઓનું મેયર કિરીટકુમાર પરમાર, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા જેસીપી મયંકસિંહ ચાવડાના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત T-man પરેશ દવે અને લેખક દિગ્દર્શક ચિન્મય મહેતા HSC પ્રોડક્શન તથા નાટકના તમામ કલાકારોનું પણ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટેના નાટક “રોડ પર મસ્તી… જરાય નથી સસ્તી”ના શો આયોજન બદલ કલાકાર અને સામાજિક અગ્રણી પ્રજા (પ્રકાશ જાડાવાલા) નું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમિત ખત્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આજનો આ કાર્યક્રમ ડીસીપી નીતાબેન દેસાઈ, પી.આઈ જાડેજા સહિત અધિકારીઓ અને કર્મચારીઓના જહેમત અને પ્રયત્નો થકી કાર્યક્રમ સફળ નીવડ્યો હતો.
અંતમાં જેસીપી મયંકસિંહ ચાવડાએ આયોજનમાં જોડાયેલ તમામ પોલીસ કર્મી, નાટકના આયોજક અને કલાકાર કસબી તથા ઉપસ્થિત મહેમાનો સહિત મીડિયાનો આભાર માન્યો હતો.