અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે
અમદાવાદ,તા.૨૯
ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છે કે, આ તો હજુ શરૂઆત જ છે. આ તો હજુ ટ્રેલર છે, ગરમીનું પિક્ચર તો હજુ બાકી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી તોડી શકે છે રેકોર્ડ.
આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં ગરમીનો પારો પહોંચી શકે છે ૪૧ ડિગ્રીને પાર. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધારે જાેવા મળી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે, સતત વધી રહેલાં ક્રોંક્રિંટના જંગલો. ઝાડ કપાઈ રહ્યાં છે અને બિલ્ડિંગો બની રહી છે. જેને કારણે ગ્લોબલ વોર્મિગની અસર પણ વર્તાઈ રહી છે. અમદાવાદમાં બપોરના સમય દરમિયાન ચામડી દઝાડે તેવી કાળઝાળ ગરમી અનુભવાય છે.
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કામકાજ વિના લોકોને ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદમાં આજે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુ માર્ચ મહિનો પૂરો થવામાં છે ત્યાં જ અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. આગળ શું હાલત થશે તેની સૌ કોઈને ચિંતા સતાવી રહી છે. જયારે ૩૦ માર્ચથી બે એપ્રિલ દરમિયાન વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે.
આજે અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ જ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું તાપમાન શુક્રવારે ૪૧, શનિવારે ૪૦ જ્યારે રવિવારથી મંગળવારના ૩૯ ડિગ્રીની આસપાસ રહેશે. ગત રાત્રિએ અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી સાથે સામાન્ય કરતાં ૪.૩ ડિગ્રી વધારે નોંધાયું હતું.
હવામાન વિભાગમાં વર્ષ ૨૦૨૦ સુધીના જે જે આંકડા દર્શાવાયા છે તેના અનુસાર ૨૦૧૧થી ૨૦૨૦ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૨ને પાર થયું હોય તેવું એક માત્ર વર્ષ ૨૦૧૭માં બન્યુ હતું. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અમરેલી, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભુજ, છોટા ઉદેપુર, ડીસા, બનાસકાંઠા અને આણંદમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)