વડોદરાના વાઘોડિયામાં રહેતી બે સંતાનોની આધેડ વયની મહિલા અપરણીત યુવાનના પ્રેમમાં પડી
વડોદરા,
માં-બાપ ક્યારેક પ્રેમમાં એટલા આંધળા બની જાય છે કે, એમના પ્રેમ પ્રકરણથી એમના સંતાનો પર કેવી અસર થશે એ ક્યારેય વિચારતા નથી. જેને પગલે સંતાનો પર અવળી અસર થાય છે. એમને સમાજમાં શરમમાં મૂકાવવું પડે છે. માં- બાપ તો એમની સગવડો ખાતર બીજા લગ્ન કરી લે છે પણ સંતાનો એ ત્રીજા વ્યક્તિને કઈ રીતે સ્વીકારશે એ બાબતની ક્યારેય દરકાર કરતા નથી.
વડોદરા નજીકના એક માં અપરણિત યુવકના પ્રેમમાં પડી તેની સાથે લગ્ન કરવા માંગતી માતાને રોકવા માટે માસુમ પુત્રીએ અભયમની મદદ લીધી હતી. આ કેસમાં હવે અભયમ માં અને દીકરી બંનેને સમજાવવામાં લાગી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે રહેતી એક આધેડ વયની મહિલાને બે સંતાનો છે. જે તેમની સાથે સુખી દાંપત્યજીવન વિતાવી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એ પ્રેમમાં પડી ગઈ છે. ઘરમાં ૨ સંતાનો હોવા છતાં મહિલાએ છાનગપિતયાં કરવાના શરૂ કર્યા છે. જેની અસર એના સંતાનો પર પડી રહી છે. એ વિચારવા માગતી જ નથી. મહિલા સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય એક અપરણિત યુવકના પ્રેમમાં પડી છે. બંને વચ્ચેના સંબંધોની જાણ પરિવારજનોને થતાં સગા સંબંધીઓએ મહિલાને સમજાવી હતી. પરંતુ તે પ્રેમી યુવક સાથે લગ્ન કરવા મક્કમ હતી. જેથી બંને બાળકોના અભ્યાસ ઉપર પણ અસર પડી હતી. મહિલાએ પતિ અને બાળકોને છોડી પ્રેમી સાથે જવાનો ર્નિણય કરતાં માસુમ પુત્રીએ અભયમને કોલ કરી મમ્મીને બીજા લગ્ન કરતા રોકવા માટે મદદ માંગી હતી.
અભયમની ટીમે પોલીસની સાથે આ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં ૨ સંતાનોની માતાને આ લોકોએ સમજાવતા એ આખરે માની ગઈ હતી. એને અભયમની ટીમે સમજાવ્યું હતું કે, આ પ્રકારના સંબંધો લાંબા ચાલતા નથી. સમાજમાં પણ તેની કોઈ કિંમત હોતી નથી અને બાળકોનું ભવિષ્ય પણ બગડશે તેમ કહી મહિલાને સમજાવતા તેણે પ્રેમીને છોડી પોતાના પરિવાર સાથે રહેવાનું અને બાળકોનું ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું હતું.
આમ અભયમની મદદથી એક પરિવારનું જીવન બગડતાં અટકી ગયું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, પ્રેમમાં પાગલ થવું એ ખોટું નથી પણ તમે જે સમાજમાં રહી રહ્યાં છો ત્યાં એક મર્યાદા છે. તમારા એક પગલાંની અસર તમારા પરિવાર પર પણ પડે છે. તમે એક ભૂલ કરીને નીકળી જાઓ છો પણ તમારી ભૂલનો ભોગ પરિવાર બને છે અને આગળ જઈ તમે પણ સુકુન ખોઈ બેસો છો…!
(જી.એન.એસ)