Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાયેલાં સગીરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ

પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ

અમદાવાદ,તા.૨૭
અમદાવાદ શહેરમાં ૧૫ વર્ષના સગીરને ન્યૂડ વિડીયો કોલની માયાજાળમાં ફસાવી પૈસા પડાવી ધમકીઓ આપી આપઘાત માટે મજબૂર કરનાર ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ સાયબર ક્રાઈમે મધ્યપ્રદેશના ગુનામાંથી અંકેશ લોધી, સન્ની લોધી અને મનોજ લોધી નામના ૩ આરોપીઓની ધરપકડ કરી છે.

અમદાવાદના સરસપુરમાં રહેતો ૧૫ વર્ષીય સગીર ધોરણ ૧૦ની પરીક્ષાની તૈયારી કરતો હતો. તે દરમિયાનમાં ગત ૨૭મી ડિસેમ્બરે દુપટ્ટાથી આપઘાત કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સગીરની અંતિમવિધી કરવા માટે જ્યારે પિતાએ ઘરમાંથી બચતના નાણાં કાઢ્યા ત્યારે તેમાં ૨૩ હજાર ઓછા હતા. જેથી સગીરના પિતાએ તપાસ કરતા સગીર પુત્રનો ફોન મળ્યો હતો પરંતુ તેમાં સીમકાર્ડ ન હતુ અને કોઇ પણ પ્રકારનો ડેટા પણ ન હતો. જેથી સગીરના પિતાને શંકાઓ જતા ફોન ચાલુ કરાવતા પૈસાની ઉઘરાણી બાબતે અજાણ્યા શખ્સે મેસેજ અને ફોન કર્યો હતો. આ શખ્સે ધમકી આપી હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં તે શખ્સે ફોન વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી.

આમ, સગીરે ૨૫થી ૩૦ હજાર ચૂકવ્યા હોવા છતાંય ધમકી આપી હોવાનું સામે આવતા મૃતકના પરિવારે પોલીસની મદદ લીધી હતી. શહેર કોટડા પોલીસે આ મામલે ખરાઇ કરીને તપાસ કરતા સગીરને ન્યુડ વિડીયો કોલ કરીને ફસાવવામાં આવ્યો હતો અને બાદમાં નાણાં પડાવીને વધુ નાણાંની માંગણી કરીને વિડીયો વાયરલ કરવાની ધમકી અપાઇ હોવાનું સામે આવ્યુ હતું. જેથી આ મામલે શહેર કોટડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓએ આ રીતે અન્ય ૧૫૦થી વધુ લોકોને ન્યૂડ કોલમાં ફસાવ્યા હોવાનું તપાસમાં ખુલતા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શહેર કોટડા પોલીસે હાથ ધરી છે.

 

(જી.એન.એસ)