વ્યાજખોર અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો.
અમદાવાદ,તા.૨૭
નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂ. ૨ લાખ લીધા હતા. જાે કે, આર્થિક સંકળામણના કારણે મહિનાથી યુવક વ્યાજ ચૂકવી શકતો ન હતો બીજી તરફ આરોપી વ્યાજ અને પૈસા માટે અવાર નવાર ફોન કરીને ઉઘરાણી કરતો હતો. જેથી કંટાળીને યુવકે જંતુ નાશક દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેભાન થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવા નરોડામાં રહેતા અને બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, થોડા સમય પહેલા તેને પૈસાની જરૂરીયાત હોવાથી આરોપી પાસેથી રૂ.૨ લાખ વ્યાજે લીધા હતા. જેનું દર મહિને રૂ.૧૦ હજાર વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. જાે કે, આર્થિક સંકડામળના કારણે યુવક છેલ્લા એક મહિનાથી પૈસાની સગવડ ન થતા વ્યાજ ચૂકવી શકતો ન હતો. જેથી વ્યાજખોર અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો.
ફરિયાદી યુવકે દિવાળી પછી પૈસા ચૂકવી આપવાની વાત કરી ત્યારે વ્યાજખોરે કીધું કે, ‘મારે તો આજે જ પૈસા જાેઈએ છે’ તેવી ધમકી આપતો હતો. જેથી આખરે કંટાળીને યુવકે પોસ્ટ ઓફીસ પાસેની દુકાને જંતુ નાશક દવાની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કરતા તે બેભાન થતા લોકોએ તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યો હતો. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)