છેલ્લા T20 વર્લ્ડ કપની વાત કરીએ તો, રોહિતની સાથે ઓપનર તરીકે શિખર ધવન, કે.એલ રાહુલ, શુભમન ગિલ અને ઈશાન કિશન હતા.
T20 વર્લ્ડ કપ ૨૦૨૪માં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કયા ૧૫ ખેલાડીઓ કરશે તેની જાહેરાત થઈ ગઈ છે. આમાં મોટે ભાગના ખેલાડીઓની ટીમમાં શું ભૂમિકા છે તે નિશ્ચિત છે, છતાં અમુક એવા પ્રશ્નો છે, જેના જવાબ હજી બાકી છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેનો છે. કારણ કે, તેની પસંદગીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડે વિરાટ કોહલીની ભૂમિકાને લઈને મોટો નિર્ણય લેવો પડશે.
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની ટીમમાં ટોપ ઓર્ડર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી પણ ૩ ઓપનિંગના દાવેદાર છે. ત્રણ નહીં પણ બે હમજો કારણ કે, કેપ્ટન રોહિત ચોક્કસપણે ઓપનિંગ કરશે. સવાલ એ છે કે, બીજા ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને મેદાનમાં ઉતારવામાં આવશે કે, વિરાટ કોહલીને..? પ્રથમ નજરે તો એવું સ્પષ્ટ લાગે છે કે જયસ્વાલ બીજો ઓપનર હોવો જોઈએ, પરંતુ જવાબ એટલો સરળ નથી.
છેલ્લા T20 વર્લ્ડ કપ સુધી, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે સતત ત્રીજા નંબર પર બેટિંગ કરી હતી, જ્યારે રોહિતની સાથે ઓપનર તરીકે શિખર ધવન, કે.એલ રાહુલ, શુભમન ગિલ અને ઈશાન કિશન હતા. પરંતુ ખાસ કરીને પ્રથમ બેટિંગ કરવાની સ્થિતિમાં આ ભારત માટે ફાયદાકારક સાબિત થયું નથી.
(જી.એન.એસ)