વડાપ્રધાન મોદીએ RBIના ૯૦ વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે, RBIની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે.
વડાપ્રધાન મોદીએ RBIને ૯૦ વર્ષ થવા પર મોટી ભેટ આપી
નવીદિલ્હી,તા.૦૧
બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈ આજે ૯૦ વર્ષનું થઈ ગયુ છે. રિઝર્વ બેન્કના ૯૦ વર્ષ પુરા થવા પર વડાપ્રધાન મોદીએ ૯૦ રૂપિયાનો સિક્કો પ્રથમ વખત જાહેર કર્યો છે. આ સિક્કાની ખાસિયત એ છે કે, તેને શુદ્ધ ચાંદીથી બનાવવામાં આવ્યો છે. ત્યારે તે સિવાય તેમાં ૪૦ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
૯૦ રૂપિયાના ચાંદીના સિક્કાની એકબાજુ બેન્કનો લોગો છે અને બીજી તરફ મુલ્યવર્ગ ૯૦ રૂપિયા લખ્યું છે. સાથે જ તેની ઉપર હિન્દી અને અંગ્રેજીમાં ભારત અને ભારતીય રિઝર્વ બેન્ક લખ્યુ છે. લોગોની નીચે આરબીઆઈ @ ૯૦ લખ્યું છે. ભારત સરકારની ટંકશાળમાં બનેલા આ ૯૦ રૂપિયાના સિક્કાનું વજન ૪૦ ગ્રામ હશે, જે ૯૯.૯ ટકા શુદ્ધ ચાંદીથી બન્યો છે.
જણાવી દઈએ કે, આ પહેલા પણ ૧૯૮૫માં રિઝર્વ બેન્કની સુવર્ણ જયંતી પર તથા ૨૦૧૦માં રિઝર્વ બેન્કની પ્લેટિનમ જ્યુબલી પર સ્મારક સિક્કા જાહેર થઈ ચૂક્યા છે. આ ૯૦ રૂપિયાનો સિક્કો લોન્ચ થયા બાદ તેને વધારે પ્રિમિયમ પર વેચવામાં આવશે. રિપોર્ટસ મુજબ આ સિક્કાની આશરે કિંમત ૫૨૦૦થી ૫૫૦૦ રૂપિયાની આસપાસ હોવાની સંભાવના છે. આ સિક્કાને લઈ દેશભરમાં બેન્ક કર્મીઓ સહિત સિક્કાના સંગ્રહકર્તાઓમાં ખુબ જ ઉત્સાહ છે. ૧૯ માર્ચ ૨૦૨૪એ ભારત સરકારના નાણા મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગે આ સિક્કાને જાહેર કરવા માટે ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કર્યુ હતું.
વડાપ્રધાન મોદીએ આરબીઆઈના ૯૦ વર્ષના કામકાજ વિશે વાત કરતા કહ્યું કે, આરબીઆઈની ભૂમિકા દેશની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ મહત્વની અને મોટી રહી છે. આરબીઆઈ જે પણ કાર્ય કરે છે, તેનાથી દેશના સામાન્ય લોકોના નાણાને સીધી અસર થાય છે. RBIએ નીચલા સ્તર પર રહેલા લોકોને નાણાકીય સમાવેશના લાભો પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
(જી.એન.એસ)