Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે અંગદાન

(Abrar Ahmed Alvi)

અર્ધાંગિનીના તમામ અંગોનું દાન કર્યું પતિ સુરેશભાઇ ગોહિલે
…….
ખેડા જિલ્લામાં આવેલ નવાગામના ૪૮ વર્ષીય રક્ષાબેન સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો
……..
હ્રદય, લીવર અને બે કિડનીના દાનથી ચાર જરુરિયાતમંદોને નવજીવન
……….
અન્ય કોઇ ભુલકાઓના માથેથી માતા કે, પિતાની છત્રછાયા ન જાય તે લાગણી સાથે અંગદાનનો નિર્ણય કર્યો- અંગદાતા પતિશ્રી સુરેશભાઇ
…….
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૯ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૬૫ જરૂરીયાતમંદને જીવનદાન

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ છેલ્લા ૪૮ કલાકથી અવિરત ચાલું છે. આ ૪૮ કલાકની અંદર હોસ્પિટલમાં સતત ૨ અંગદાન થયા. જેના થકી ૭ જેટલા જરુરીયામંદોને નવજીવન મળ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયેલા ૧૭૯માં અંગદાનની વિગતો જોઈએ તો, ખેડા જિલ્લાના નામવાગામના વતની દક્ષાબેન ગોહિલને તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ ફેક્ટરીમાં મજુરી કામે જતા ખેડા પાસે નવાગામ નગરી ખાતે અકસ્માત સર્જાયો હતો. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા તા.૧૭/૦૨/૨૦૨૫ ના રોજ સારવાર અર્થે પ્રથમ ખેડા સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ તે જ દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આઇ.સી.યુ માં સઘન સારવાર દરમિયાન તા.૨૪.૦૨.૨૦૨૫ના રોજ ડૉક્ટરોએ દક્ષાબેન ગોહેલને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે દક્ષાબેન ગોહિલના પરિવારજનોને તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે સમજાવ્યા. ૧૦ વર્ષની દીકરી અને ૭ વર્ષના દીકરા એમ બે બાળકોના માતા એવા દક્ષાબેનની અચાનક આવી પડેલી આવી વિકટ પરીસ્થીતીમાં પણ તેમના પતિ સુરેશભાઇએ પોતાની લાગણીઓ અને દુ:ખને ભૂલીને અન્ય કોઇ ભુલકાઓના માથેથી તેમની માતા કે, પિતાની છત્રછાયા ન જાય તે લાગણી સાથે પત્નીના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૮૩ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૬૫ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.
દાનમાં મળેલ બે કિડની અને એક લીવરને સિવીલ મેડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં અને હ્રદયને યુ. એન. મેહતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૨૪ કિડની, ૧૫૬ લીવર, ૫૫ હ્રદય, ૩૦ ફેફસા, ૧૦ સ્વાદુપિંડ, બે નાના આંતરડા, ૬ હાથ,પાંચ સ્કીન અને ૧૨૦ આંખોનું દાન મળ્યું છે‌.