Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

નેતન્યાહુને ફાંસીની સજા મળવી જાેઈએ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીની માંગ

(એચ.એસ.એલ),ગાઝા,તા.૨૫

યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. : સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેની

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીએ સોમવારે આઈઆરજીસીની બાસીજ ફોર્સને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા ઈઝરાઈલ હુમલાનો ઉલ્લેખ કરતા નેતન્યાહુ પર મોટો હુમલો કર્યો હતો.

બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલત દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કરતા, ખામેનીએ તેને અપૂરતું ગણાવ્યું અને કહ્યું કે, ગાઝા અને લેબેનોનમાં આચરવામાં આવેલા યુદ્ધ અપરાધો માટે નેતન્યાહુને મૃત્યુદંડ મળવો જાેઈએ.

સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનીના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ સોમવારે તેહરાનમાં આયોજિત ‘બસિજ સપ્તાહ’ દરમિયાન તેમણે દેશભરના બાસીજ ફોર્સના સભ્યોને મળ્યા અને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, યહૂદી પ્રશાસને ગાઝા અને લેબનોનમાં જે કર્યું છે તે તેમની જીત નથી પરંતુ યુદ્ધ અપરાધ છે. તેમણે કહ્યું કે, ઈઝરાઈલના વડાપ્રધાન માટે ધરપકડ વોરંટ પૂરતું નથી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પ્રતિકાર શક્તિને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

બાસીજ દળને સંબોધતા ખામેનીએ કહ્યું કે, બાસીજમાં હિંમત, ઝડપથી કામ કરવાની ક્ષમતા અને વ્યાપક દ્રષ્ટિ છે. તે તેના દુશ્મનોને ઓળખે છે અને વિવિધ વિકાસ માટે સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે, આપણે નિશ્ચય અને નિર્ણય લેવાની ક્ષમતાને અવગણવી જાેઈએ નહીં, પરંતુ તેની પ્રશંસા કરવી જાેઈએ અને તેને મજબૂત બનાવવી જાેઈએ અને કહ્યું કે, બાસીજના પોતાના લક્ષ્યો અને કારણો છે અને તેઓ મૃત્યુથી પણ ડરતા નથી.

બાસીજ ફોર્સ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો ભાગ છે. તે ઈરાનમાં ધાર્મિક, રાજકીય અને આર્થિક મોરચે લડતું સ્વયંસેવક દળ છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, બાસીજ ફોર્સમાં લગભગ ૯૦ હજાર સૈનિકો છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓ બંને કામ કરે છે. આટલું જ નહીં, બાસિજ ફોર્સ જરૂર પડ્યે લગભગ ૧૦ લાખ સ્વયંસેવકોને પણ એકત્ર કરી શકે છે, તેનું મુખ્ય કામ દેશની અંદર સરકાર વિરોધી ગતિવિધિઓનો સામનો કરવાનું છે.