Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૨૨ જુલાઈ, રાષ્ટ્રીય કેરી દિવસ : ગુજરાતે વર્ષ ૨૦૨૩-૨૪માં ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરી, છેલ્લા પાંચ વર્ષોમાં ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી

અમદાવાદ/ગીર,તા. 22

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે. કૃષિ પાકો ઉપરાંત, ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. એમાં પણ કેરીના ઉત્પાદનમાં, ને ખાસ કરીને કેસર કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું રાજ્ય છે. ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં કેરી ઉત્પાદનનો મહત્વપૂર્ણ ફાળો છે. ગુજરાતની કેરીની વિદેશોમાં પણ ખૂબ માંગ છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (GAIC)ના ડેટા અનુસાર, વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતમાંથી ૬૮૯.૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીના પાંચ વર્ષોમાં ગુજરાતે કુલ ૨૫૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી છે.

ગુજરાતમાં બાગાયતી ફળ અને ફૂલોના પાકોનો કુલ વાવેતર વિસ્તાર ૪,૪૯,૩૮૯ હેક્ટર છે, જે પૈકી ૧,૭૭,૫૧૪ હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે આ કેરીને GI ટેગ એટલે કે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલ છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. કેસર ઉપરાંત, રાજ્યમાં મુખ્યત્વે હાફુસ, રાજાપુરી, તોતાપુરી, સોનપરી વગેરે જેવી કેરીની જાતો ઉગાડવામાં આવે છે.

ગુજરાતમાં આ વર્ષે વિવિધ જિલ્લાઓમાં થયેલ કેરીનું ઉત્પાદન

ક્રમ જિલ્લાનું નામ વાવેતર વિસ્તાર (હે.) ઉત્પાદન (મે.ટન/હે.)
૧. વલસાડ           ૩૮૦૩૩    ૨૦૯૧૮૨
૨. નવસારી          ૩૪૮૭૮   ૨૧૭૯૮૮
૩. ગીર સોમનાથ ૧૮૪૫૦   ૧૧૨૫૪૫
૪. કચ્છ                 ૧૨૪૭૦     ૮૪૭૯૬
૫. સુરત                ૧૦૨૩૯     ૬૨૯૭૦

બાવળા સ્થિત ગામા ઇ-રેડિયેશન પ્લાન્ટ ખાતે લગભગ ૨૧૦ મેટ્રિક ટન કેસર કેરીનું ઇ-રેડિયેશન અને નિકાસ
અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે આ વર્ષે લગભગ ૨૧૦ મેટ્રિક ટન કેસર કેરીનું ઇ-રેડિયેશન કરીને તેની વિદેશોમાં નિકાસ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બાવળા સ્થિત આ યુનિટ ગુજરાતનું પહેલું અને ભારતનું ચોથું USDA-APHIS સટિર્ફાઇડ ઇ-રેડિયેશન યુનિટ છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગત વર્ષે પણ લગભગ ૨ લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી.

આ યુનિટ સ્થપાયું તે પહેલા, ગુજરાતના કેરીની ખેતી કરતા ખેડૂતોને મુંબઈ જઇને કેસર કેરીનું ઇ-રેડિયેશન કરાવવું પડતું, અને પછી તેઓ કેરીની નિકાસ કરતા, જેમાં કેરીનો બગાડ પણ થતો અને પરિવહન ખર્ચમાં પણ વધારો થતો. પણ હવે બાવળા ખાતે ઇ-રેડિયેશન પ્લાન્ટ સ્થાપિત થવાથી ખેડૂતો હવે અમદાવાદ ખાતે જ કેરીઓનું ગામા ઇ-રેડિયેશન કરાવીને કેરીની નિકાસ કરે છે, અને તેમના પાકનો ઉત્તમ ભાવ પણ મેળવે છે.

કેરીનું ઉત્પાદન વધારવા માટે ઇન્ડો-ઇઝરાયેલ વર્ક પ્લાન

ઇન્ડો-ઇઝરાયેલ વર્ક-પ્લાન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ખાતે નિર્મિત સેન્ટર ઓફ એક્સેન્સ ફોર મેન્ગો ખાતે ખેડૂતોને કેરીના પાક માટે ટેક્નિકલ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, ખેડૂતોને ઘનિષ્ઠ ખેતી અને નવીનીકરણ માટેની તાલીમ અને એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવવા અંગેની ટેક્નિકલ જાણકારી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૬૦૧ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે, તેમજ ૯૩૮૨ જેટલી કલમોનો ઉછેર કરીને ખેડૂતોને તેનું વેચાણ કરેલ છે.

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા કેરીના ઉત્પાદનને વધારવા માટે ખેડૂતોને ૧૫.૨૯ કરોડની આર્થિક સહાય
કેરીની ખેતી કરતા ખેડૂતોના જૂના આંબાના બગીચાઓ કે, વાડીઓ જેની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તેવી વાડીઓનું નવીનીકરણ કરવા માટેની યોજના બાગાયત ખાતા દ્વારા અમલી છે. આ યોજનાને પરિણામે ખેડૂતોની આંબાની જૂની વાડીઓ નવીનીકરણ પછી સારું ઉત્પાદન આપતી થઈ છે.

આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલી છે જેમાં આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો માટે, વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય, બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦% સહાય ઉપરાંત ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય આપવામાં આવી રહી છે. બાગાયત ખાતા દ્વારા કેરીની ખેતી કરતા ખેડૂતોને કેરીના વાવેતર માટે અંદાજે ૧૫.૨૯ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

 

(જી.એન.એસ)