(અબરાર એહમદ અલવી)
મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને આતંકવાદ મુર્દાબાદના બેનરો હાથમાં લઇ વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ,તા.૨૫
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર આખા દેશમાં રોષ છે, ત્યારે અમદાવાદ સહિત દેશભરમાં જુમ્મા (શુક્રવાર)ની નમાઝ બાદ મુસ્લિમોએ કાળી પટ્ટી બાંધી આતંકી હુમલાનો વિરોધ કર્યો હતો.
શુક્રવારની નમાજ પછી, સેંકડો મુસ્લિમોએ આતંકવાદ સામે લડવા માટે અવાજ ઊઠાવ્યો અને કહ્યું કે, ‘પાકિસ્તાન ભારતીય મુસ્લિમોનો પણ દુશ્મન છે.’ આ ઉપરાંત અમદાવાદમાં શુક્રવારની નમાઝમાં મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને નમાઝ પઢી આતંકવાદ વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, રફીક ભાઈ નગરી સહિતના નેતાઓ અને સ્થાનિક આગેવાનો ફિરોજ ખાન, મુનીરભાઈ કલીમીની હાજરીમાં જ મુસ્લિમોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદને વખોડી કાઢ્યો હતો.