Safeer News

Breaking News from Ahmedabad

દેશ

મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત

ફ્‌લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્‌લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે.

મુંબઈ, તા. ૨૧
મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્‌લાઈટ સાથે અથડાતા ૩૬ ફ્‌લેમિંગો પક્ષીઓના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે ૯ વાગે જણાવવામાં આવી રહી છે. આ અથડામણ બાદ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ઘણા મૃત ફ્‌લેમિંગો પક્ષીઓ જોવા મળ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના અમીરાતની ફ્‌લાઈટ નંબર EK 508 સાથે થઈ હતી. આ ટક્કરથી ફ્‌લાઈટને પણ ઘણું નુકસાન થયું છે. આ હોવા છતાં, ફ્‌લાઈટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ હતી. હાલમાં ફ્‌લાઇટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત ફ્‌લેમિંગો પક્ષીઓને દૂર કર્યા છે.

મુંબઈ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે ૯.૧૮ મિનિટ પર એમિરેટ્‌સની ફ્‌લાઈટ ઈકે ૫૦૮ પક્ષીઓના ઝુંડ સાથે અથડાઈ ગઈ. તેના બાદ વિમાન સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ, મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી મૃત ફ્‌લેમિંગો પક્ષીઓ મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગ અને અન્ય ટીમો સ્થળ પર પહોંચી અને મૃત ફ્‌લેમિંગો પક્ષીઓને ઉપાડી લીધા હતા. આ પછી, તમામ મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં લાખો ફ્‌લેમિંગો પક્ષીઓ થાણે અને નવી મુંબઈના વેટલેન્ડ વિસ્તારોમાં આવે છે.

 

(જી.એન.એસ)