ગુમલા-ઝારખંડ,તા.૧૦
સાસરિયાઓએ ૧ લાખ રૂપિયા રોકડા અને મોંઘી મોટરસાયકલની માંગણી કરી હતી. જે તરન્નુમના પિતા પૂર્ણ કરી શક્યા ન હતા.
ઝારખંડના ગુમલા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાને તેના દહેજ લોભી સાસરિયાઓએ ઝેર આપીને તેની હત્યા કરી નાખી. સગર્ભાના પિતાએ સાસરિયાઓ પર આ આરોપો લગાવ્યા છે. મહિલાના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. તે સમયે પિતાએ દહેજમાં મોટર સાયકલ આપી ન હતી જેના કારણે સાસરિયાઓ મહિલાને સતત ત્રાસ આપતા હતા. આખરે તેઓએ તેને ઝેર આપીને મારી નાખી.
મળતી માહિતી મુજબ, આ સમગ્ર મામલો ઝારખંડના ગુમલા જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગયા વર્ષે પુત્રી તરન્નુમ પરવીનના લગ્ન કટારી ગામના રહેવાસી તબરેઝ અંસારી સાથે તેના પિતા શમશેર અંસારીએ કર્યા હતા. લગ્ન સમયે પિતા શમશેર અંસારીએ દીકરી તરન્નુમને વિદાય સમયે તેની ક્ષમતા કરતાં વધુ દહેજ આપ્યું હતું. પરંતુ લગ્નના બે-ત્રણ મહિના બાદ તેના સાસરિયાઓએ તેની પુત્રી તરન્નુમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેને ઘણી વખત માર પણ મારવામાં આવ્યો હતો.
સાસરિયાઓએ ૧ લાખ રૂપિયા રોકડા અને મોંઘી મોટરસાયકલની માંગણી કરી હતી. જે તરન્નુમના પિતા પૂર્ણ કરી શક્યા ન હતા. આ બાબતને લઈને તેઓ ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા. ગામમાં યોજાયેલી પંચાયતમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી, ત્યારબાદ તેઓ થોડા દિવસ ચૂપ રહ્યા હતા. કરારના લગભગ ૨-૩ મહિના પછી, દહેજ લોભી સાસરિયાઓએ ફરીથી તરન્નુમને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
તરન્નુમનો પતિ ઘર છોડીને પૈસા કમાવા મદ્રાસ ગયો. આમ છતાં તેના દહેજ લોભી સાસરિયાઓએ તરન્નુમને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. તરન્નુમ ગર્ભવતી હોવા છતાં એક દિવસ તેના સાસરિયાઓએ તરન્નમને જંતુનાશક દવા પીવડાવી. જંતુનાશક દવા આપ્યા પછી, સાસરિયાઓએ તરન્નુમના પિતા શમશેરને જાણ કરી કે, તેમની પુત્રીની તબિયત ખૂબ જ ખરાબ છે. જ્યારે પુત્રીના માતા-પિતા પહોંચ્યા તો તેઓએ જાેયું કે, તેમની પુત્રી બેભાન અવસ્થામાં પડી હતી. તે તરત જ તેને ગુમલા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને રાંચી રિફર કરવામાં આવી. રાંચી લાવવામાં આવતી વખતે મહિલાનું મોત થયું હતું.
તરન્નુમના પિતા શમશેરે જમાઈ તબરેઝ અંસારી, તેની માતા સબરીન, બહેનો સરવરી અને અખ્તરી, ભાઈઓ આફ્રિદી અને પરવેઝ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસ હાલ આરોપીને શોધી રહી છે અને કેસની તપાસ ચાલુ છે.
(જી.એન.એસ)