અમેરિકાને કેવી રીતે ખબર પડી કે, યુક્રેન સામેલ નથી : મોસ્કો હુમલા પર રશિયાનો વળતો પ્રહાર
મોસ્કો,
મોસ્કો આતંકી હુમલામાં યુક્રેનને ક્લીનચીટ આપવા બદલ રશિયાએ વ્હાઇટ હાઉસ સામે વળતો પ્રહાર કર્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકાને કેવી રીતે ખબર પડી કે, યુક્રેન આમાં સામેલ નથી..?
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકા પાસે જે પણ માહિતી છે તે અમને આપવી જાેઈએ. પ્રવક્તાએ કહ્યું, “માત્ર રશિયન અધિકારીઓ જ કહી શકે છે કે, હુમલામાં કોણ સામેલ છે અને કોણ નથી.” તમને જણાવી દઈએ કે, હુમલા બાદ અમેરિકાએ કહ્યું હતું કે, તેમાં યુક્રેનની સંડોવણીના કોઈ સંકેત નથી.
તમને જણાવી દઈએ કે, ફ્રાન્સ સહિત વિશ્વના ઘણા દેશોએ મોસ્કો હુમલાની નિંદા કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ ગોળીબારની નિંદા કરી છે અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેણે કહ્યું છે કે, આ આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. તેમણે કહ્યું કે, ફ્રાન્સ પીડિતો સાથે એકતામાં ઊભું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો અને લોકો અને રશિયન ફેડરેશનની સરકાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ (ISIS)એ લીધી છે. ઈસ્લામિક સ્ટેટે તેની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો છે કે, તેણે મોસ્કો નજીક એક કોન્સર્ટ સ્થળ પર હુમલો કર્યો છે. આ આતંકવાદી સંગઠનના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમારા લડવૈયાઓ ક્રોકસ કોન્સર્ટ હોલ પર હુમલો કરીને સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફર્યા છે. આ હુમલામાં ૧૪૦થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૧૪૬થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધી શકે છે. ઘાયલો પૈકી જેઓની સારવાર ચાલી રહી છે તેમાં કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
વાસ્તવમાં, આર્મી યુનિફોર્મમાં કેટલાક બંદૂકધારીઓ મોસ્કોના એક મોટા કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ભીડ પર અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન હુમલાખોરોએ હોલ પર ગ્રેનેડ પણ ફેંક્યો હતો.
(જી.એન.એસ)