તક્ષવીનો આ વીડિયો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ,તા. ૨૦
૬ વર્ષની ઉંમર એટલે તો રમકડાંઓથી રમવાની ઉંમર, આવી નાનકડી ઉંમરે જ એક ગુજરાતી બાળકીએ ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદની માત્ર ૬ વર્ષની નાનકડી બાળકીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવીને ન માત્ર ગુજરાતને પણ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.
૬ વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં ૨૫ મીટરનું અંતર કાપીને આ સિદ્ધિ મેળવી છે. સ્કેટિંગ દરમિયાન તક્ષવી માત્ર ૧૬ સેન્ટિમીટરની ઊંચાઈ નીચેથી પસાર થઈ હતી. તક્ષવીના માતા-પિતા બન્ને ડૉક્ટર છે. કોરોનાકાળમાં તેમણે તક્ષવીને રમત-ગમત સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારથી જ તક્ષવીને સ્કેટિંગમાં રસ પડ્યો હતો. માત્ર ૫ વર્ષની ઉંમરે તક્ષવીએ “અંડર સેવન”માં નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. તક્ષવીની આ સિદ્ધિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તક્ષવી પહેલાં જ ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મેળવી ચૂકી છે અને હવે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું છે.
(જી.એન.એસ)