ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હુમલો કર્યો છે.
બૈરૂત,તા.૨૫
દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યો છે. સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે હુમલા મુદ્દે બુધવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એ નથી જણાવ્યું કે ઈઝરાયેલના સૈનિકોએ સરહદ પાર કરી છે કે નહીં. ગેલન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મોટાભાગના દળોને સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે. આઇડીએફ દળો હાલમાં દક્ષિણ લેબનોનમાં આક્રમક કામગીરી કરી રહ્યા છે,”
ઇઝરાયેલી આર્મીને IDF તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હુમલો કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “થોડા સમય પહેલા, IDF ફાઇટર જેટ્સ અને આર્ટિલરીએ હિઝબુલ્લાહના અંદાજે ૪૦ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલો ઐતા અલ-શાબની આસપાસ કરવામાં આવ્યો હતો, જેમાં હિઝબુલ્લાહના સ્ટોરેજ અને હથિયારોની સુવિધાઓને પણ નિશાન બનાવવામાં આવી હતી. સેનાએ કહ્યું કે, હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા કરવા માટે અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું.
(જી.એન.એસ)