હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે તો એક બોક્સ કેરીના ૧,૫૦૦થી ૨,૦૦૦ સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે.
અમદાવાદ/જુનાગઢ,
ઉનાળો ચાલુ થતાંની સાથે જ કેરી માટે લોકોના મનમાં આતુરતા થવા લાગે છે, આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે પરંતુ માવઠા અને ખરાબ વાતાવરણના કારણે કેરીના ભાવમાં વધારો જાેવા મળ્યો છે.
કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે ત્યારે હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે તો એક બોક્સ કેરીના ૧,૫૦૦થી ૨,૦૦૦ સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે. પરંતુ તે જ કેરી જ્યારે બજારમાં વહેંચાવવા જાય છે, ત્યારે આ બોક્સના ભાવ ૨,૫૦૦થી ૩,૦૦૦ રૂપિયા સુધી બોલી રહ્યા છે. એટલે હાલમાં હજી કેરીની આવક ઓછી છે, તેથી ભાવ ખૂબ વધારે નોંધાઈ રહ્યા છે.
જુનાગઢ એ.પી.એમ.સીની વાત કરીએ તો ૨ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધીમાં કેરીની આવક ૩,૫૫૬ ક્વિન્ટલ નોંધાઈ હતી. કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક ૧૮ એપ્રિલના રોજ ૧,૮૮૩ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, ત્યારે કેરીનો પ્રતિ મણનો ભાવ ૨,૬૦૦ રૂપિયા નોંધાયો હતો. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક ૧૦૦થી ૫૦૦ ક્વિન્ટલ તેની પહેલાં નોંધાતી હતી. પરંતુ ૧૮ એપ્રિલે કેરી ૧,૮૮૩ ક્વિન્ટલ નોંધાઈ હતી. આ સાથે ૯ એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો. ૯ એપ્રિલે એક ક્વિન્ટલ કેરીના ૪,૦૦૦ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ સાથે ૮ એપ્રિલે ૩,૬૦૦ રૂપિયા અને ૧૨ એપ્રિલે ૩,૮૦૦ રૂપિયા ભાવ નોંધાયા હતા.
રાજ્યના બીજા અલગ-અલગ માર્કેટિંગ યાર્ડમાં પણ જુનાગઢ ગીર, તાલાલાની કેસર કેરીની સાથે વલસાડની કેસર કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે. આ વખતે કેસર કેરીની આવક ૨૦થી ૨૫ દિવસ મોડી હોવાનું માર્કેટિંગ યાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગામી ૪થી ૫ દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ પણ ઘટશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.