Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પુત્રનું શર્મનાક કૃત્ય : સમલૈંગિક પુત્રએ જીવનસાથી સાથે મળીને પિતાની હત્યા કરી

અજીતના ક્રિષ્ના નામના યુવક સાથે સમલૈંગિક સંબંધો હતા. એક દિવસ પિતાએ અજીત અને કૃષ્ણાને વાંધાજનક હાલતમાં જોયા. આ પછી તેમણે અજીતની હરકતોનો વિરોધ કરવાનું શરૂ કર્યું.

મથુરા,તા. ૧૪

ઉત્તર પ્રદેશના મથુરાથી એક મોટો ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે જેમાં રૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૪ મેના રોજ એક બોક્સમાંથી અડધી બળેલી લાશ મળી આવી હતી. ૧૦ દિવસ બાદ પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે. પુત્ર અજિતે જ તેના પિતા મોહનલાલની છરીના ઘા મારીને હત્યા કરી હતી.

વાસ્તવમાં અજીતના ક્રિષ્ના નામના યુવક સાથે સમલૈંગિક સંબંધો હતા. એક દિવસ પિતાએ અજીત અને કૃષ્ણાને વાંધાજનક હાલતમાં જોયા. આ પછી તેમણે અજીતની હરકતોનો વિરોધ કરવાનું શરૂ કર્યું. આ બાબતે ઘરમાં રોજ ઝઘડા થતા હતા. કંટાળીને અજીતે તેના પિતાની હત્યા કરી લાશને બોક્સમાં મૂકીને સળગાવી દીધી હતી. આ ઘટનામાં કૃષ્ણાએ અજિતને સાથ આપ્યો હતો. પોલીસે બંને સહિત ચાર લોકોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

આ બનાવ રૈયા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે જણાવ્યું કે, મોહનલાલનો ૨૩ વર્ષનો પુત્ર અજીત સમલૈંગિક છે. તેનું તેના મિત્ર ક્રિષ્ના સાથે અફેર હતું. પિતા આ વાતનો વિરોધ કરતા હતા. પિતાથી નારાજ થઈને પુત્ર અજિતે ક્રિષ્ના સાથે મળીને હત્યાનો પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં તેણે તેના વધુ બે મિત્રો લોકેશ અને દીપકનો પણ સમાવેશ કર્યો હતો. ૨ મેના રોજ આ લોકોએ ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયાર વડે મોહનલાલની હત્યા કરી હતી. આ પછી, બીજા દિવસે ૩જી મેની રાત્રે, તેઓ મૃતદેહને બોક્સમાં એક ર્નિજન જગ્યાએ લઈ ગયા અને તેને આગ લગાવી દીધી. સ્થાનિક લોકોએ બોક્સ જોઈને આગ બુઝાવી હતી. અંદર અર્ધ બળી ગયેલી લાશ જોઈ બધા ચોંકી ઉઠ્‌યા હતા.

પોલીસે નજીકના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ બાદ પોલીસે લોકેશ અને દીપકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. દરમિયાન અજીત અને ક્રિષ્ના ફરાર થઈ ગયા હતા. અજીત અને ક્રિષ્ના ગયા રવિવારે રાત્રે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અજિતે તેના પિતાની હત્યા કરી હતી કારણ કે, તે સમલૈંગિક સંબંધોનો વિરોધ કરતા હતા. આ હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

 

(જી.એન.એસ)