Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ

રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ,તા. ૧
ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે. તેમજ રાજ્યમાં ૨થી ૪ ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા, મહુવા અને ઉમરગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. રાજ્યના સિઝનના સરેરાશ વરસાદની વાત કરીએ તો ૧ ઓગસ્ટે સવારે ૬ વાગ્યા સુધીમાં ૬૧.૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી તરફ આગામી બે દિવસ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.

આવતીકાલ (શનિવાર)ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ ૩થી ૪ ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ૩-૪ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી, નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ છે. નદીઓમાં પૂર પણ આવી શકે છે તેમ જણાવ્યું છે. બુધ, શુક્રના યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે. તેમજ મધ્ય પ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે. આગામી ૩-૪ દિવસમાં મધ્ય અને પૂર્વ તથા ઉત્તર-પશ્ચિમ દેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ કલાકમાં છત્તીસગઢ, ઉત્તરાખંડ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. આગામી ૨૪ કલાકમાં દક્ષિણ કર્ણાટકમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળ, ગુજરાત પ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.

 

(જી.એન.એસ)