Exclusive : ગૂગલ મેપથી વડોદરા ચોરી કરવા નિકળેલા તસ્કરોએ ડેમાઇમાં ચોરી કરી, મન ફાવે ત્યાં પહોંચી જતાં, જાણો વધુ વિગત
મધ્યપ્રદેશની ચોર ટોળકી ગાડીનો સેલ મારી ગૂગલ મેપ આધારે નિકળી પડતા અને જે જગ્યા સારી લાગે ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપતા
અરવલ્લી જિલ્લાના બાયડમાં ચામુંડા જ્વેલર્સમાં થયેલી અડધા કરોડની ચોરી મામલે જિલ્લા LCB એ વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જિલ્લા એલ.સી.બી.ની ટીમે (1) અક્ષયને કે ચોરીમાં સંડોવાયેલ હતો જેને મહારાષ્ટ્રથી ટ્રાન્સ્ફર રીમાન્ડથી મોડાસા લવાયો જ્યારે (1) મહેશ સોની (મુદ્દામાલ ખરીદનાર)ને મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના મનાસા ગામેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ પહેલા અરવલ્લી જિલ્લા એલ.સી.બી. એ એક આરોપી દીપક સીકંદર ઉર્ફે સીકુભોલારામ રાઠોડને ઝડપ્યો હતો.
ગેંગની મોડસ ઓપરેન્ડી
બાયડના ડેમાઈમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો કોઇપણ જગ્યાએ ચોરી કરતા હતા, મન ફાવે ત્યાં ગૂગલ મેપથી પહોંચતા અને ચોરીની ઘટનાને અંજામ આપતા. સામાન્ય રીતે તેઓ પોતાના વતનથી દૂરના જિલ્લામાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા, જેથી પોલિસ પકડમાં આવે નહી. ઘણીવાર તો તેઓ ચોરી ક્યાં કરવા પહોંચ્યા છે તે પણ ખ્યાલ ન આવે કે તેઓ કયા રાજ્યમાં છે.
ગૂગલ મેપનો સહારો લેતા
ઝડપાયેલ આરોપીઓ પાસેથી પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે, તેઓ ગૂગલ મેપ આધારે ફરતા અને જે સારી જગ્યા દેખાય તે દુકાનને ટાર્ગેટ કરતા. રસ્તાઓથી અજાણ હોવાને લઇને ગૂગલ મેપના આધારે પોતાની અર્ટિગા ગાડીમાં ફરતા અને ચોરીની ઘટનાઓને અંજામ આપીને પલાયન થઇ જતાં હતા. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને મોટી ચોરીને અંજામ આપવામાં માસ્ટર હતા તસ્કરો.
ચામુંડા જ્લેર્સમાં બગાસુ ખાતા પતાસુ મળ્યું…!
ડેમાઇમાં જ્યારે ચામુંડા જ્વેલર્સમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો જ્યાં તસ્કરનો બગાસુ ખાતા પતાસુ મળ્યું હતું. બાયડના ડેમાઇમાં ચામુંડા જ્વેલર્સમાં ચોરી કરવાનો કોઇ જ ઇરાદો નહોતો, પણ જ્યારે તેઓ ગૂગલ મેપથી મંડપ સંચાલકને ત્યાં ચોરી કરવા જતાં હતા ત્યારે ચામુંડા જ્વેલર્સની દુકાન પર નજર પડી હતી. તસ્કર ગેંગએ દુકાન જોઇએ અને લાકડાનો દરવાજો અને તૂટી જાય તેવું લાગતા ચોરી કરવાનો વિચાર આવ્યા અને જ્વેલર્સમાં ચોરી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. આ સમગ્ર મામલે પોલિસ તપાસ હાથ ધરી રહી છે.
ગૂગલ મેપથી વડોદરા જતાં હતી ગેંગ
પોલિસે ઝડપી પાડેલ ગેંગની પૂછપરછમાં એ પણ ખુલાસો થયો છે કે, આ ગેંગ ગૂગલ મેપના આધારે વડોદરા તરફ જઇ રહી હતી, અને ત્યારે મંડપ સંચાલકને ત્યાં ચોરીની ઘટનાને અંજામ આપવાનો હતો ત્યારે તેઓ ચામુંડા જ્વેલર્સને ત્યાં પહોંચી ગયા હતા. આ ગેંગ કોઇ ચોક્કસ જગ્યા પર ચોરી કરવા માટે પહોંચતી નહોતી પણ મન ફાવે ત્યાં ગાડીનો સેલ મારી નિકળી જતી અને તક જોઇને તરાપ મારતી હતી.
ક્યાં ક્યાં ચોરી કરી છે તે અંગે પૂછપરછ
ડેમાઈમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોએ દેશમાં બીજે ક્યાં ક્યાં ચોરી કરી છે તે અંગે પોલિસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં હજુ પણ ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. હાલ પોલિસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ 4 આરોપીઓ પોલિસ પકડથી દૂર છે, જેઓને ઝડપી પાડવા હાલ ટીમ તપાસમાં છે.
શું હતો સમગ્ર મામલો
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈમાં 25 માર્ચ 2022ના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને સોના-ચાંદીના દાગીના મળી રોકડ રૂપિયા 90,000 મળી કુલ 48, 75,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા, સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા એલ.સી.બી.ની ટીમએ તપાસ હાથ ધરી હતી.
અત્યારસુધીમાં ઝડપાયેલ આરોપીઓ
- દીપક સીકંદર ઉર્ફે સીકુભોલારામ રાઠોડ, ગામ – ડોડીયામીણા, તા. – મલ્હારગઢ, જિલ્લો – મન્સોર, મધ્યપ્રદેશ
- મહેશ સોની (દાગીના ખરીદનાર), ગામ – મનાસા, જિલ્લો – નિમ્મચ, મધ્યપ્રદેશ
- અક્ષય, ટ્રાન્સ્ફર વોરંટ આધારે મહારાષ્ટ્રથી લવાયો
ફરાર આરોપીઓ
- રવિંન્દ્ર નરેન્દ્ર કર્માવત, ગામ – પીપલીયા રુન્ડી, તા.-મનાસા, જિલ્લો – નિમ્મચ, મધ્યપ્રદેશ
- મનિષ રોશન કરમાવત, ગામ – પીપલીયા રુન્ડી, તા.-મનાસા, જિલ્લો – નિમ્મચ, મધ્યપ્રદેશ
- સુનિલ (નામ પૂરેપુરૂ મળેલ નથી)
- અન્ય એક અજાણ્યો ઇસમ