ડૉ એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ..! તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે
(અબરાર અહેમદ અલવી)
ડૉ. એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ…
તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે…..
ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ હતા. ડૉ એપીજે અબ્દુલ કલામ દેશને આધુનિક સ્વદેશી મિસાઈલ બનાવવા સક્ષમ બનાવનાર મિસાઈલ મેન તરીકે જાણીતા છે. ડો. કલામનું સમગ્ર જીવન સામાન્ય રહીને પણ અસાધારણ હતું. સમગ્ર દેશ 15 ઓક્ટોબરે તેમનો જન્મ દિવસ ઉજવે છે અને તેમને યાદ કરીને સલામ કરે છે…!
ઘણા લોકો ખુબ જ ઓછા સમયમાં એવુ જીવન જીવીને દુન્યાને અલ્વીદા કહી દે છે કે, તેમનું જીવન સમગ્ર વિશ્વ માટે એક મિસાલ બની જાય છે….આવી જ એ મિસાલ એપીજે અબ્દુલ કલામે કાયમ કરી છે…! ડૉ. કલામનું જીવન લોકો માટે પ્રેરણા છે.
ડૉ. કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931ના રોજ રામેશ્વરમ તમિલનાડુમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જૈનુલ આબેદીન એક નાવના માલિક અને સ્થાનિક મસ્જિદના ઇમામ હતા. તેમના માતા આશિઅમ્મા ગૃહિણી હતા. કલામના પિતા તેમની નાવમાં તીર્થયાત્રીઓને રામેશ્વરમ લાવવા લઈ જવાનું કામ કરતા હતા. કલામના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેન હતી. જેમાં સૌથી નાના કલામ હતા. તેમનો પરિવાર ગરીબ હોવાથી બાળપણમાં તેઓ સમાચારપત્ર વેચવાનું કામ પણ કર્યું હતું. ત્યાંથી જ મિસાઈલ મેન બનાવાનો સ્વપ્ન પણ જોયું, ના કે માત્ર આ સ્વપ્ન જોયું પરંતુ આ સ્વપ્નને સાકાર પણ કરીને બતાવ્યો.
બાળપણમાં ડૉ. કલામનું સ્વપ્ન પાઈલટ બનવાનું હતું, પરંતુ જો આ શક્ય ન બન્યું તો તેમણે વૈજ્ઞાનિક બનવાનું નક્કી કર્યું. તેઓ એવા વૈજ્ઞાનિક બન્યા કે, તેમના કામથી તેઓ આખી દુનિયામાં છવાઈ ગયા. મિસાઈલ પ્રોગ્રામમાં અગ્રણી દેશોમાં ભારતને સામેલ કરવામાં તેમનો મોટો ફાળો છે. પોતાનું સપનું સાકાર કરનાર ડો.કલામે કહ્યું કે, સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો, સપના એ છે જે તમને ઊંઘવા નથી દેતા.
તેમના કામના કારણે તેઓ કરોડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા…
તેમના શ્રેષ્ઠ વિચારો આજે પણ યુવાનોને પ્રેરણા આપતા રહે છે. સમાજના તમામ વર્ગો માટે વિચારનારા અબ્દુલ કલામે 18 જુલાઈ 2002ના રોજ દેશના 11મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો અને કલામે રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક તરીકે દેશની અતૂલ્ય સેવા કરીને રાષ્ટ્રપતિ તરીકે લોક ચાહના મેળવી છે. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા.
ડૉ. કલામ જીવનમાં અભાવ હોવા છતા આગળ વધતા રહ્યા. તેમને તેમની શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે બધા પસંદ કરતા હતા. તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે. “મિસાઇન મેન”ના નામથી પ્રસિદ્ધ કલામને ‘વેલ્ડર ઓફ પીપલ’ પણ કહેવામાં આવે છે. બાળપણમાં તેમને ‘આઝાદ’ કહીને પણ પોકારવામાં આવતા.
એક સમય એવો હતો જ્યારે ભારતના સંરક્ષણ-વિભાગને લડાયક અને માલવાહક વિમાનો ઉપરાંત તોપો અને તેમના છૂટા ભાગો પણ પરદેશથી આયાત કરવા પડતાં હતાં. આવી સામગ્રીની કાર્યક્ષમતા પરત્વે વિશ્વસનીયતા અને વિદેશી હૂંડિયામણની સમસ્યાઓ વિકટ હતી. આવા કઠોર અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે ડૉ. કલામને ‘ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ (IGMDP)ની જવાબદારી અને આયોજન સોંપવામાં આવ્યાં અને તે પણ ટાંચા બજેટ સાથે… ડૉ. કલામ અને તેમના સાથી વિજ્ઞાનીઓએ તમામ પ્રકારનાં પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કરીને ભારતને સર્વોપરિ બનાવવા તનતોડ મહેનત કરી. આથી તેમને સંરક્ષણ-વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત તેઓએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (D. R. D. O.)ના સચિવ તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ તેમને TIFAC-(Technology Information, Forecast and Assessment Council)ના અધ્યક્ષ બનાવ્યા. TIFAC અંતર્ગત તેમણે સંખ્યાબંધ ટેક્નૉલૉજિકલ પ્રૉજેક્ટ્સને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમણે ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર છોડી શકાય તેવું ભારતીય નૌસેના માટે 100 કિલોમિટરથી વધુ અવધિવાળું ‘ધનુષ’ (અથવા ‘પૃથ્વી’) પ્રક્ષેપાસ્ત્ર તૈયાર કર્યું. શત્રુનાં લડાયક જહાજોને ખતમ કરી શકે તેવાં 350 કિલોમિટરથી વધુ અવધિવાળાં પ્રક્ષેપાસ્ત્ર ‘સાગરિકા’ની અને વાયુસેના માટે ‘ટેમ્પેસ્ટ’ની પણ રચના કરી.
ડી.આર.ડી.ઓ.ને પાંચ વર્ષ સેવાઓ આપ્યા પહેલાં તેઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં જોડાયા. ભારતના પ્રથમ ઉપગ્રહ માટે ઉપગ્રહ પ્રમોચન વાહન (Setellite Launching Vehicle – SLV) ‘રોહિણી’ પરિયોજનાના નિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી. આ પરિયોજનાથી તેમને ખ્યાલ આવ્યો કે, એસ.એલ.વી. ટેક્નૉલૉજીનો ઉપયોગ લશ્કરમાં પણ કરી શકાય. આવાં પ્રક્ષેપાસ્ત્રોનું ઉત્પાદન ડૉ. કલામે દક્ષિણ ભારતમાં કર્યું. જોગાનુજોગ ભારતમાં પ્રથમ પ્રક્ષેપાસ્ત્રનું નિર્માણ અઢારમી સદીમાં દક્ષિણ ભારતમાં ટીપુ સુલતાને કર્યું હતું અને તેનો ઉપયોગ બ્રિટિશરો સામે શ્રીરંગપટ્ટનમ્ ખાતે 1792 અને 1799ની સાલમાં મૈસૂર વિગ્રહ દરમિયાન કર્યો હતો.આમ કલામે વિવિધ ઉચ્ચ હોદ્દાઓ પર સેવા આપીને ભારત માટે પોતાનું જીવન સમર્પીત કર્યું હતું.
૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે. ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મ દિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો.
અબ્દુલ કલામનું 2015માં મેઘાલયના શિલોંગમાં બાળકોને ભાષણ આપ્યા બાદ અવસાન થયું હતું. ભલે અબ્દુલ કલામ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો આજે પણ લોકોને પ્રેરણા આપી રહ્યાં છે. જેના પર અમલ કરીને નિર્ધારીત લક્ષ્ય હાસલ કરી શકાય છે.
જાણો ડૉ. કલામની કેટલીક ખાસ વાતો, જેનાથી આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
સફળતા પછી આરામ ન કરવો જોઈએ… કારણ કે, જો આપણે બીજી વખત નિષ્ફળ થઈ ગયા તો બધા એવું જ કહેશે કે, પહેલી સફળતા ભાગ્યથી મળી હતી.
જો સફળ થવાના ઇરાદા મજબૂત છે તો નિષ્ફળતા આપણા ઉપર હાવિ નથી થઈ શકતી.આવા જ કલામના અનેક વિચારો આજે પણ પ્રેરણા આપી રહ્યાં છે.