પ્રિયંકાએ કહ્યું કે, ‘હું તમને વારંવાર કહું છું કે, અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે.’
અમેઠી,તા. ૯
ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીના મુન્શીગંજ સ્થિત કિસાન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ.આઈ.એમ.આઈ.એમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે, તેઓ ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ઓવૈસી ભાજપની બી ટીમ છે. ઓવૈસી પર નિશાન સાધતા પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ‘હું તમને વારંવાર કહું છું કે, અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે. ભાજપને જ્યાં પણ અન્ય પક્ષોને પાછળ ધકેલી દેવા માટે કોઈને મેદાનમાં ઉતારવાની જરૂર હોય ત્યાં તે આમ જ કરે છે. તેલંગાણાની ચૂંટણીમાં આ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે.
પ્રિયંકાએ કહ્યું કે, ‘છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે, ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને તે માફ કરવામાં આવી. કર્ણાટકમાં અમે કહ્યું હતું કે, મહિલાઓના ખાતામાં ૨૦૦૦ રૂપિયા જમા થશે, આજે તે જમા થઈ રહ્યા છે. જ્યાં પણ અમારી સરકાર છે અમે અમારા વચનો પુરા કર્યા છે. જો અમારી સરકાર કેન્દ્રમાં આવશે તો ખેડૂતોની લોન માફી માટે કાયમી કમિશનની રચના કરવામાં આવશે. ખેતીને લગતા તમામ સાધનો જીએસટી મુક્ત રહેશે.
(જી.એન.એસ)