૩૫ વર્ષ પહેલા થયેલા બેંક ફ્રોડ કેસમાં ગુજરાતની એક કોર્ટે ૯૬ વર્ષની ઉંમરના એક વ્યક્તિને એક વર્ષની કેદની સજા ફટકારી
આ છેતરપિંડી ૧૯૯૫માં પ્રકાશમાં આવી હતી, જેના પછી CBI તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાયલ ૨૬ વર્ષ સુધી ચાલી હતી.
અમદાવાદ,
૩૫ વર્ષ પહેલા થયેલા બેંક ફ્રોડ કેસમાં ગુજરાતની એક કોર્ટે ૯૬ વર્ષની ઉંમરના એક વ્યક્તિને એક વર્ષની કેદની સજા ફટકારી છે. દોષિત વ્યક્તિ પથારીવશ છે અને ઘણી બીમારીઓથી પીડિત છે. આમ છતાં કોર્ટે તેને સજા ફટકારી છે અને તેની સામે વોરંટ જારી કર્યું છે.
કોર્ટે કડકતાનું કારણ પણ આપ્યું છે. દોષિતનું નામ અનિલ ગોસાલિયા છે અને તે મુંબઈમાં રહે છે. બીમારીના કારણે તે કોર્ટની કાર્યવાહીમાં હાજર રહી શક્યો ન હતો. તેની શારીરિક સ્થિતિ સારી ન હોવા છતાં, CBIના વિશેષ ન્યાયાધીશ સી.જી. મહેતાએ તેમની સામે દોષિત ઠરાવવાનું વોરંટ જારી કર્યું હતું. ગોસાલિયાના વકીલ આર.જી આહુજાએ કોર્ટને તેમના અસીલની તબિયત વિશે જાણ કરી અને આના આધારે નમ્રતા દાખવવાની વિનંતી કરી. ગોસાલિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે દયા દાખવી તેને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે સ્વીકાર્યું કે, તે પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ સ્વતંત્ર રીતે કરી શકતો નથી. જાે કે, ન્યાયાધીશે ગોસાલિયાના વકીલની પ્રોબેશનનો લાભ આપવાની વિનંતીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, ‘જ્યાં સુધી કોર્ટ આ પ્રકારના સામાજિક-આર્થિક ગુનાઓમાં યોગ્ય સજા ન આપે ત્યાં સુધી લોકોનો ન્યાય પ્રણાલી અને કાયદાના હેતુ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ખોટી સહાનુભૂતિ અથવા અયોગ્ય ઉદારતા સમાજમાં ખોટો સંદેશો જશે. ગોસાલિયા ઉપરાંત તેમના ૭૧ વર્ષના પુત્ર દિલીપ અને ૫૮ વર્ષના ભત્રીજા વિમલને પણ બેંક છેતરપિંડીનો દોષી ઠેરવવામાં આવ્યો હતો અને કોર્ટે તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.
ગોસાલિયા સિવાયના તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતા, જેથી તેઓને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ગોસાલિયાના વકીલે તેમને જેલમાં મોકલવાને બદલે જામીન પર રહેવા દેવાની વિનંતી કરી હતી, જે કોર્ટે મંજૂર કરતાં તેમને તાત્કાલિક જેલમાં જતા બચાવ્યા હતા. ગોસાલિયા પરિવાર પર ૧૯૮૯માં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના અધિકારીઓ સાથે મળીને ભાવનગર, ગુજરાત સ્થિત ફર્મ ગોસાલિયા ઇન્ટરનેશનલ દ્વારા લેટર ઓફ ક્રેડિટ લિમિટ વધારવા માટે કાવતરું ઘડવાનો આરોપ છે. આ છેતરપિંડી ૧૯૯૫માં પ્રકાશમાં આવી હતી, જેના પછી CBI તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ટ્રાયલ ૨૬ વર્ષ સુધી ચાલી હતી.
(જી.એન.એસ)