Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : જાહેરમાં પાનની પિચકારી મારતાં ૧૩૫ લોકો પાસેથી ૧૫,૨૧૦ રૂપિયાનો દંડ વસુલાયો

સીસીટીવીમાં પકડાયેલા લોકોને ઘરે મેમો મોકલવામાં આવશે

અમદાવાદ,
અમદાવાદ શહેરને સ્વ્ચ્છ રાખવા મ્યુનિસિપલ કમિશ્નરના તંત્રને કડક આદેશ છૂટ્યા છે. જાહેરમાં થૂંકતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. જાે હવે તમે માવો ખાઈને અમદાવાદમાં ગમે ત્યાં થૂંકશો તો તમારી પાસેથી ૫૦થી ૫૦૦ રૂ. નો દંડ વસૂલવામાં આવી શકે છે.

તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને નંબર વન મળ્યો છે. ત્યારે હવે અમદાવાદ પણ સુરતના પગલે સ્વચ્છતાના રસ્તે નીકળી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરમાં થૂંકવા બદલ હવે દંડ ફટકારી શકે છે. હવે જાે કોઈ અમદાવાદી આવતા જતા વાહન પર જતા થૂંકે અને AMCની ટીમ તમને પકડી શકે છે. આ માટે તમને ૫૦થી ૫૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે. એટલુ જ નહિ, એએમસી તમારા ઘરે દંડ પણ મોકલી શકે છે. CCTV નેટવર્કથી પણ થૂંકનાર સામે પગલાં લેવા કમિશનરની સૂચના આપવામાં આવી છે. અગાઉ પણ આ મુજબ ભૂતકાળમાં કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઈ મેમો ઘરે મોકલી વસૂલાતી દંડની રકમ ૨૦૦ રૂપિયા અને ચાલતા જતી વ્યક્તિને AMC ટીમ પકડે તો ૫૦થી ૧૦૦નો દંડ ફટકારી શકે છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને ટિમ બનાવી આ અંગે તપાસ કરવાની સૂચના અપાઈ છે. એએમસી દ્વારા પેનલ્ટી લેવાનું શરૂ કરાયું છે. બે દિવસમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બે દિવસમાં કુલ ૧૩૫ લોકો પર કાર્યવાહી કરવામાં આવી છે. ૧૩૫ લોકો પાસેથી ૧૫,૨૧૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. સાથે જ ૬૦૦૦ જેટલા લોકો સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં પકડાયેલા લોકોને ઘરે મેમો મોકલવામાં આવશે.

 

(જી.એન.એસ)