AMCની કેન્ટીનમાં બેસીને સરકારી આવાસમાં મકાન અપાવવાનું કહીને અનેક લોકોને ઠગનાર ૧ મહિલા સહિત ૩ લોકોની ધરપકડ
કારંજ પોલીસે ઠગાઈના ગુનામાં પલ્લવી સોલંકી, રોહિત ત્રિવેદી અને મુસ્તાક બેગ મિર્ઝા નામના આરોપીઓની ધરપકડ કરી છે.
આ ફરિયાદીની સાથે અન્ય પણ અનેક લોકોએ આરોપીઓને આવાસ યોજનાના મકાન લેવા માટે અલગ અલગ રકમ ચૂકવી હતી.
અમદાવાદ,તા. ૯
શહેરમાં લોકોને આવાસ યોજનાના મકાનો અપાવવાના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાના કૌભાંડનો અમદાવાદ પોલીસ દ્વારા ઘટસ્ફોટ થયો છે. કોર્પોરેશનની કચેરીના કેન્ટીનમાં બેસીને મહિલા સહિતના ત્રણ આરોપીઓ અનેક લોકો પાસેથી આવાસ યોજનાના મકાન અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી ચૂક્યા હોય જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદની કારંજ પોલીસે ઠગાઈના ગુનામાં પલ્લવી સોલંકી, રોહિત ત્રિવેદી અને મુસ્તાક બેગ મિર્ઝા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી આવાસ યોજનામાં મકાન અપાવવાનું સપનું બતાવી તેઓની પાસેથી પૈસા પડાવતા તેઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં સુથારી કામ કરતા કમલેશ રાઠોડએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને એક સંબંધી મારફતે પલ્લવી સોલંકી સાથે ઓળખાણ થઈ હતી. પલ્લવી સોલંકી ફરિયાદીના સંબંધીને પણ થલતેજમાં આવાસ યોજનામાં મકાન અપાવવાનું કહીને ૧.૨૦ લાખ લીધા હતા. ફરિયાદીને પણ આવાસ યોજનાનું મકાન લેવું હોય તેણે 2BHK મકાન માટે ૧૮ લાખ રૂપિયાની કિંમત હોવાનું જણાવ્યું હતું અને બે લાખ રૂપિયાની માંગ કરી હતી.
ફરિયાદીએ આરોપીઓને બે લાખ રૂપિયા આપી નોટરી કરાવી આપવાનું જણાવ્યું હતુ પરંતુ નોટરી કરાવી ન હતી. આ ફરિયાદીની સાથે અન્ય પણ અનેક લોકોએ આરોપીઓને આવાસ યોજનાના મકાન લેવા માટે અલગ અલગ રકમ ચૂકવી હતી. જાે કે, બનનારા અવારનવાર તેઓની પાસે મકાનના કાગળો અંગે વાત કરતા તેઓ બહારના બતાવતા હતા અને જે બાદ બોગસ એલોટમેન્ટ લેટર કોર્પોરેશનના નામનું આપ્યું હતું.
ત્રણેય આરોપીઓએ ભેગા મળીને ચાર જેટલા લોકો પાસેથી ૬.૨૦ લાખ રૂપિયાની રકમ મેળવી હતી અને કોર્પોરેશનનું એલોટમેન્ટ લેટર આપતા ફરિયાદી સહિતનાઓએ કોર્પોરેશનમાં જઈને તપાસ કરતા તે લેટર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેથી અંતે આ સમગ્ર મામલે કારંજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)