Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં વાનના માલિકો પાણીપુરી-શાકભાજી વેચવા મજબૂર થયા

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદ,
કોરોના મહામારીમાં સ્કૂલો બંધ થતાં વાનના માલિક રવિ ગોહિલ (૩૩ વર્ષ) છેલ્લા નવ મહિનાથી ઓનલાઈન પોર્ટલ માટે માલ-સામાન પહોંચાડી રહ્યો છે. તે પરિવારનો ખર્ચ પૂરો કરી શકે એટલું માંડ કમાય છે. તેના પરિવારમાં પત્ની, દીકરો અને માતા-પિતા છે.

પારિતોષ શાહ (૪૧ વર્ષ)નો કેસ પણ કંઈ આવો જ છે, જેણે મહામારીની શરૂઆત થઈ અને લોકડાઉન લાગુ કરાયું તેના માત્ર આઠ મહિના પહેલા સ્કૂલ વાન ખરીદી હતી. છેલ્લા ૧૫ મહિનાથી સ્કૂલ બંધ હોવાથી તેણે ‘પાણીપુરી’ની લારી શરૂ કરી છે.

લગભગ દોઢ વર્ષથી શાળાના દરવાજા બંધ છે ત્યારે ભદ્રેશ પવાર (૪૭ વર્ષ) તેમની સ્કૂલ વાનમાં વડાપાઉં બનાવીને વેચે છે. તેનું કહેવું છે, તે તેના પરિવારનું ગુજરાન ચલાવી શકે એટલી કમાણી કરી લે છે.

ગયા વર્ષના માર્ચ મહિનાથી શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ ચાલી રહ્યું હોવાથી, અમદાવાદમાં ગોહિલ, શાહ અને પવાર જેવા ૭૫૦૦ જેટલા સ્કૂલ વાનના માલિકો જીવનનિર્વાહ માટે અન્ય ધંધા તરફ વળ્યા છે. કેટલાકે ઈએમઆઈ ભરવા માટે વાન વેચી દીધી છે તો કેટલાકે શાકભાજી અને નાસ્તાની દુકાન તેમજ પાન પાર્લર ખોલ્યું છે. ‘લોકડાઉન પહેલા હું મહિને ૩૦ હજાર રૂપિયા કમાતો હતો, પરંતુ છેલ્લા નવ મહિનાથી હું મારી સ્કૂલ વાનમાં માલ-સામાનની ડિલિવરી કરી રહ્યો છું’, તેમ રવિ ગોહિલે જણાવ્યું હતું, જે અગાઉ જેટલું કમાતો હતો તેનાથી હાલ અડધું કમાય છે.

૨૬ વર્ષનો શહેઝાદ ભિષ્તી, જે પોતાની સ્કૂલ વાનમાં ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનની ડિલિવરી પણ કરે છે, તેણે કહ્યું હતું કે, “અગાઉ તે જેટલું કમાતો હતો, તેની સરખામણીમાં ઓછી આવક થઈ રહી છે”.

ભદ્રેશ પવારે જણાવ્યું હતું કે, ‘હું છેલ્લા ૨૦ વર્ષથી સ્કૂલ વાન ચલાવી રહ્યો છું. આ અણધારી સ્થિતિ છે, પરંતુ પરિવાર ચલાવવા માટે મારે કંઈકનું કંઈક તો કરવું પડશે’.

ગુજરાત ઓટો ડ્રાઈવર્સ એક્શન કમિટીના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆતો કરવા છતાં રાજ્ય સરકારે સ્કૂલ વાનના માલિકો માટે કોઈ આર્થિક સહાય પેકેજની જાહેરાત કરી નથી. એક વર્ષ દરમિયાન, કોવિડ-૧૯ના દર્દીઓને મેડિકલ કેર પૂરી પાડવા માટે ૨૦૦ જેટલી વાને સંજીવની રથમાં પરિવર્તિત કરાઈ છે, તેમ અસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું. જાે કે, કેસમાં ઘટાડો થતાં, ઘણાનો કોન્ટ્રાક્ટ ખતમ કરવામાં આવ્યો હતો, તેમ અસોસિએશનના અધિકારીએ કહ્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *