ગરમીનો હાહાકાર..!!! અમદાવાદમાં ૫ દિવસ રેડ એલર્ટની આગાહી અને અમુક અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આગ ઓકતું આકાશ, અમદાવાદમાં રેડ એલર્ટ નાના બાળકો આગામી ત્રણ થી ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ/ગાંધીનગર,
હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર સહીત અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાે કે, રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ ઉંચો ગયો છે. દિવસ તો ગરમ હોય છે જ પરંતુ સૂર્યાસ્ત થયા પછી પણ ગરમ પવનો કહેર વર્તાવી રહ્યા છે. જેને લઇને સાંજના સમયે પણ બહાર નીકળવાનું ટાળવું પડે તેવી સ્થિતિ બની છે.
રેડ એલર્ટને પગલે તંત્ર દ્વારા કન્સ્ટ્રકશન સાઇટ ઉપર બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી બાંધકામ બંધ રાખવા સૂચના અપાઇ છે, સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તે અપીલ કરવામાં આવી છે. જાે વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબનો સંપર્ક સાધવો તેમ પણ જણાવ્યું છે.
આગ ઓકતું આકાશ, અમદાવાદમાં રેડ એલર્ટ નાના બાળકો આગામી ત્રણ થી ચાર દિવસ ઘરમાં રહે તે માતાપિતાને અપીલ કરવામાં આવી છે. બપોરના સમય દરમિયાન પાણી, છાશનો વધુ ઉપયોગ કરવા, અચાનક એસીમાંથી ગરમીમાં ન જવા પણ જણાવાયું છે. અતિશય ગરમીને લીધે લુ લાગવાનાં લક્ષણો નીચે મુજબ છે.
*ગરમીની અળાઈઓ *ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી *માથાનો દુખાવો, ચક્કર આવવા *ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી. *સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી. *ઉબકા અને ઉલટી થવી.
આરોગ્ય વિભાગે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે ૭ઃ૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવા સૂચના આપી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના તેમજ દિન દયાળ કેન્દ્ર ઉપર છાશનું વિતરણ કરવા કહેવાયું છે. વોર્ડ વાઇઝ પ્રચાર રિક્ષા રાખી સ્લમ વિસ્તાર તેમજ ભીડભાડવાળી જગ્યાએ એલર્ટ અંગેની જાણકારી આપવા કહેવાયું છે તો સાથે જ સોશિયલ મીડિયામાં એલર્ટ મેસેજ ઇશ્યૂ કરવા જણાવાયું છે. નક્કી કરેલ બગીચાઓમાં બપોરના સમયે છાશનું વીતરણ કરવા કહેવાયું છે.
(જી.એન.એસ)